પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી છે. આ પ્રક્રિયા દરમિયાન રાજ્યમાંથી 58 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જે રાજકીય અને જાહેર સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યું છે. ચૂંટણી આયોગના જણાવ્યા અનુસાર કુલ 58,20,898 નામો દૂર કરવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ 24 લાખ મતદારો મૃત્યુ પામેલા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત લગભગ 19 લાખ મતદારો સ્થળાંતર કરી કાયમી રીતે અન્યત્ર વસવાટ કરતા હોવાનું, 12 લાખ જેટલા મતદારો ગેરહાજર અથવા ગાયબ હોવાનું અને 1.37 લાખ નામો ડુપ્લિકેટ હોવાનું નોંધાયું છે.
આ ડ્રાફ્ટ મતદાર યાદી 16 ડિસેમ્બર 2025ના રોજ જાહેર કરવામાં આવી હતી. SIR પ્રક્રિયા નવેમ્બર 2025માં શરૂ થઈ હતી, જેમાં બૂથ-લેવલ ઓફિસરો (BLO) દ્વારા ઘરેઘરે જઈ મતદારોની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. આ અભિયાન રાજ્યના અંદાજે 7.66 કરોડ મતદારોને આવરી લેતું હતું. ચકાસણી બાદ તૈયાર કરાયેલી ડ્રાફ્ટ યાદીમાં હવે લગભગ 7.08 કરોડ મતદારોના નામ સામેલ છે.
આ સમગ્ર પ્રક્રિયા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા તેને ભાજપ અને ચૂંટણી આયોગની મળતિયાગીરી ગણાવી છે. તેમનું કહેવું છે કે SIRના નામે લાખો સાચા મતદારોના નામ કાઢી નાખીને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ચૂંટણી આયોગે સ્પષ્ટતા કરી છે કે જે મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાં સમાવિષ્ટ નથી, તેમને ચિંતા કરવાની જરૂર નથી. આવા મતદારો 16 ડિસેમ્બર 2025થી 15 જાન્યુઆરી 2026 સુધી ક્લેઇમ અને ઓબ્જેક્શન દાખલ કરી શકે છે. તેના માટે ફોર્મ-6 ભરવાનું રહેશે. મતદારો ચૂંટણી આયોગની અધિકૃત વેબસાઇટ eci.gov.in અથવા ceowestbengal.wb.gov.in પર જઈને પોતાનું નામ ચકાસી શકે છે અથવા પોતાના વિસ્તારના બૂથ-લેવલ ઓફિસરનો સંપર્ક કરી શકે છે.
ક્લેઇમ અને ઓબ્જેક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી આયોગ ફાઇનલ મતદાર યાદી જાહેર કરશે, જે 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે અંતિમ અને માન્ય મતદાર યાદી ગણાશે. તેથી ચૂંટણી આયોગે તમામ મતદારોને અપીલ કરી છે કે તેઓ સમયસર પોતાનું નામ ચકાસી લે અને જો કોઈ ભૂલ કે કાપ જોવા મળે તો નિર્ધારિત સમયમર્યાદામાં વાંધો નોંધાવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel