ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બ્રીચ બાય રોમિયો લેન’ નાઈટક્લબમાં ગત અઠવાડિયે લાગેલી ભયાનક આગની ઘટનામાં 25 લોકોના મોત થયા બાદ હવે કેસમાં મોટો વિકાસ થયો છે. આ ઘટનાના મુખ્ય આરોપી એવા નાઈટક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરાને થાઈલેન્ડમાંથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યા છે. બંને લુથરા ભાઈઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 (માનવહત્યા સમાન ગુનો), 125 (જીવને જોખમમાં મૂકવો) અને 287 (આગ સાથે બેદરકારી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગ લાગ્યાના થોડા જ કલાકોમાં બંને આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડના ફુકેટ ભાગી ગયા હતા.
તપાસમાં સામે આવ્યું છે કે આગ લાગ્યાના સમયે બંને લુથરા ભાઈઓ દિલ્હીમાં કોઈ લગ્ન સમારંભમાં હાજર હતા. ત્યાંથી જ તેમણે તાત્કાલિક ફ્લાઈટ બુક કરીને દેશ છોડ્યો હતો. બાદમાં ભારત સરકારની વિનંતી પર થાઈલેન્ડની સરકાર અને પોલીસની મદદથી બંનેને ત્યાં જ પકડી લેવામાં આવ્યા હતા. થાઈ પોલીસએ 9 ડિસેમ્બર આસપાસ તેમને ડિટેન કર્યા હતા. ઇન્ટરપોલ દ્વારા બ્લુ નોટિસ જારી કરવામાં આવી હતી અને સાથે જ તેમના પાસપોર્ટ રદ કરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અંતે તેમને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા.
16 ડિસેમ્બર 2025ના રોજ લુથરા ભાઈઓ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા, જ્યાં ગોવા પોલીસે તેમને એરપોર્ટ પરથી જ કસ્ટડીમાં લઈ લીધા હતા. ગોવા પોલીસ તેમને 17 ડિસેમ્બરે દિલ્હી સ્થિત પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરશે અને ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તેમને ગોવા લઈ જવામાં આવશે. નોંધનીય છે કે અગાઉ દિલ્હી કોર્ટે લુથરા ભાઈઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
આ કેસની તપાસ દરમિયાન ગંભીર ખુલાસા થયા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ નાઈટક્લબ છેલ્લા લગભગ 18 મહિનાથી ફાયર સેફ્ટીની જરૂરી મંજૂરીઓ અને માન્ય લાઇસન્સ વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યો હતો. આ મામલે ક્લબના પાંચ મેનેજરો અને સ્ટાફ સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત, ગોવા સરકારે લુથરા બ્રધર્સની વાગાટોર વિસ્તારમાં આવેલી શેક પણ તોડી પાડી છે.
આ ગંભીર કેસને મજબૂત રીતે આગળ ધપાવવા માટે ગોવા સરકારે એક વિશેષ કાનૂની ટીમની રચના કરી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને સાથે સાથે ગોવામાં નાઈટક્લબો અને મનોરંજન સ્થળોએ સેફ્ટી નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel