દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ગ્લોબલ AI સમિટમાં આ વખતે એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે. અગ્રણી અમેરિકન ઉદ્યોગપતિ અને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, જે અગાઉ મુખ્ય વક્તા તરીકે કાર્યક્રમમાં હાજરી આપવા અને 19 ફેબ્રુઆરીએ 12 મિનિટનું મુખ્ય ભાષણ આપવા માટે નક્કી હતા, હવે આ સમિટમાં ભાગ નહીં લે તેવી માહિતી સામે આવી છે. તેમની ગેરહાજરીને લઈને ટેક અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે, કારણ કે આ સમિટને ભારતના AI ક્ષેત્ર માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા મુજબ, સમિટની પ્રાથમિકતાઓ અને ગંભીર વિચારણા બાદ બિલ ગેટ્સે કાર્યક્રમમાં ભાગ ન લેવા નો નિર્ણય લીધો છે. તેમની જગ્યાએ હવે ફાઉન્ડેશનના આફ્રિકા અને ભારતીય કાર્યાલયોના પ્રેસિડેન્ટ અંકુર વોરા સમિટને સંબોધિત કરશે. બીજી તરફ, કેટલીક ચર્ચાઓમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે ‘એપસ્ટીન ફાઇલ્સ’ સંબંધિત વિવાદોને કારણે આ નિર્ણય લેવાયો હોઈ શકે છે, જોકે આ બાબતે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
— Gates Foundation India (@BMGFIndia) February 19, 2026
બિલ ગેટ્સ તાજેતરમાં જ ભારત આવ્યા હતા અને સોમવારે આંધ્રપ્રદેશના વિજયવાડામાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં આરોગ્ય, ટેકનોલોજી અને વિકાસ સંબંધિત સહયોગ પર ચર્ચા કરવામાં આવી હતી. ફાઉન્ડેશનએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમની ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા યથાવત છે અને આરોગ્ય તેમજ વિકાસના લક્ષ્યો માટે તેઓ સતત કાર્ય કરતા રહેશે.
આ દરમિયાન AI સમિટ અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. ખાસ કરીને ગલગોટિયા યુનિવર્સિટીના સ્ટોલને લઈને ઉઠેલા વિવાદે સમિટનું ધ્યાન ખેંચ્યું છે. યુનિવર્સિટીએ જે બે AI પ્રોડક્ટ્સ પોતાના તરીકે રજૂ કર્યા હતા, તે હકીકતમાં ચીન અને કોરિયામાં બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ગેરરીતિના આરોપોને પગલે સમિટમાંથી યુનિવર્સિટીના સ્ટોલને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હોવાના અહેવાલો છે.
દુનિયાભરની મોટી ટેક કંપનીઓ અને AI નિષ્ણાતોની હાજરી વચ્ચે યોજાતી આ ગ્લોબલ AI સમિટ ભારતના AI ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. જોકે, બિલ ગેટ્સની ગેરહાજરી અને ગલગોટિયા યુનિવર્સિટી સંબંધિત વિવાદને કારણે સમિટ હવે ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel