દિલ્હીના ભારત મંડપમ ખાતે 19 ફેબ્રુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ વૈશ્વિક સમિટની થીમ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધારવાનો અને ટેક્નોલોજીને માનવતાના વિકાસ અને કલ્યાણ માટે ઉપયોગમાં લેવા પર ભાર મૂકવાનો છે. વિશ્વભરના ટેક લીડર્સ, રાજકીય નેતાઓ અને સંશોધકોની હાજરીએ આ સમિટને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્વ આપ્યું છે.
વૈશ્વિક નેતાઓ અને ઉદ્યોગપતિઓની હાજરીએ વધાર્યો સમિટનો પ્રતિષ્ઠા
ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીની સાથે ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ તેમજ વિશ્વભરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને ટેક નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ સમિટમાં 500થી વધુ AI લીડર્સ, 100થી વધુ સરકારી પ્રતિનિધિઓ, 20થી વધુ દેશોના વડાઓ, અંદાજે 60 મંત્રીઓ અને 150થી વધુ શિક્ષણવિદો તથા સંશોધકો સહિત મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ હાજર રહ્યા હતા. આ વ્યાપક ભાગીદારી ભારતના વધતા ટેક્નોલોજીકલ પ્રભાવ અને AI ક્ષેત્રે તેની વધતી વૈશ્વિક ભૂમિકા દર્શાવે છે.
નવી ટેકનોલોજી માટે વ્યાપક દ્રષ્ટિકોણ જરૂરી: પીએમ મોદી
સમિટ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે મશીન લર્નિંગથી લઈને લર્નિંગ મશીન સુધીની સફર ખૂબ ઝડપી બની રહી છે, જેના કારણે વૈશ્વિક સ્તરે નવી પડકારો અને તક બંને ઊભી થઈ રહી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે AI માટે માત્ર ટેક્નોલોજીકલ વિકાસ જ નહીં પરંતુ જવાબદારીપૂર્ણ અને નૈતિક અભિગમ પણ જરૂરી છે. “આવનારી પેઢીઓને આપણે AIનું કયું સ્વરૂપ સોંપીએ છીએ તે આપણા આજના નિર્ણયોથી નક્કી થશે,” એમ તેમણે ઉમેર્યું.
ભવિષ્યની જગ્યાએ વર્તમાનમાં AIના ઉપયોગ પર ભાર
પીએમ મોદીએ જણાવ્યું કે AI વિશેનો સૌથી મોટો પ્રશ્ન એ નથી કે તે ભવિષ્યમાં શું કરી શકે છે, પરંતુ આજે આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. તેમણે ન્યુક્લિયર પાવરનું ઉદાહરણ આપતાં કહ્યું કે કોઈપણ ટેક્નોલોજીનો સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનો ઉપયોગ થઈ શકે છે, તેથી AIને માનવ કલ્યાણ માટે દિશા આપવી જરૂરી છે. AIને તેમણે પરિવર્તનકારી શક્તિ તરીકે વર્ણવી, જે સમાજ અને અર્થતંત્રને નવી દિશા આપી શકે છે.
ભારત દુનિયાનું સૌથી મોટું ટેક ટેલેન્ટ હબ
સમિટમાં વડાપ્રધાન મોદીએ ભારતને વિશ્વનું સૌથી મોટું યુવા અને ટેક ટેલેન્ટ ધરાવતું દેશ ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારત નવી ટેક્નોલોજી બનાવવામાં અને ઝડપથી અપનાવવામાં આગળ છે. વિશ્વના 100થી વધુ દેશોની ભાગીદારી અને યુવા પેઢીનો AI પ્રત્યેનો વધતો ઉત્સાહ ભવિષ્ય માટે વિશ્વાસ ઉભો કરે છે. આ સમિટ ભારત તેમજ સમગ્ર ગ્લોબલ સાઉથ માટે ગૌરવનો વિષય હોવાનું તેમણે જણાવ્યું.
સાત મુખ્ય વિષયો પર ચર્ચા, CEO રાઉન્ડટેબલમાં રોકાણ મુદ્દાઓ
સમિટ દરમિયાન આર્થિક વિકાસ, સામાજિક કલ્યાણ, સુરક્ષિત અને વિશ્વસનીય AI, સંસાધનોનું લોકશાહીકરણ સહિત સાત મુખ્ય વિષયો પર ચર્ચા કરવામાં આવી રહી છે. સાંજે વડાપ્રધાન મોદી વૈશ્વિક ટેક કંપનીઓના CEO સાથે રાઉન્ડટેબલ બેઠકમાં ભાગ લેશે, જેમાં રોકાણ, રિસર્ચ સહયોગ અને સપ્લાય ચેન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
ભારત માટે અને સમગ્ર ગ્લોબલ સાઉથ માટે આ સમિટ AI ક્ષેત્રે નવી દિશા નક્કી કરતી ઐતિહાસિક પહેલ તરીકે જોવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને યુવા પેઢીની ભાગીદારી અને નવીનતા માટેનો ઉત્સાહ વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા મજબૂત કરી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel