બાંગ્લાદેશમાં કટ્ટરપંથી હાદીના મોત બાદ પહેલેથી જ ચાલી રહેલી અસ્થિરતા અને હિંસક માહોલ વચ્ચે વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. દેશના જાણીતા રોક સ્ટાર અને નગર બૌલ બેન્ડના લીડ સિંગર જેમ્સ ઉર્ફે ફારુક મહમૂદ જેમ્સના કોન્સર્ટ પર ટોળાએ હુમલો કર્યો હતો, જેના કારણે આખો કાર્યક્રમ રદ કરવો પડ્યો અને 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના 26 ડિસેમ્બર 2025ની રાત્રે ફરિદપુર જિલ્લા સ્કૂલના કેમ્પસમાં બની હતી, જ્યાં સ્કૂલની 185મી વર્ષગાંઠના સમાપન સમારોહના ભાગરૂપે ભવ્ય કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ્સ રાત્રે લગભગ 9:30 વાગ્યે સ્ટેજ પર આવવાના હતા, પરંતુ તે પહેલાં જ બહારથી આવેલા એક ઉશ્કેરાયેલા ટોળાએ કાર્યક્રમ સ્થળમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાકર્મીઓએ તેમને રોકતા જ ટોળાએ ઉગ્ર બની સ્ટેજ તરફ ઈંટો અને પથ્થરો ફેંકવા શરૂ કર્યા અને સ્ટેજ પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આ હુમલામાં સૌથી વધુ નુકસાન ફરિદપુર જિલ્લા સ્કૂલના વિદ્યાર્થીઓને થયું હતું. વિવિધ અહેવાલો અનુસાર, આ ઘટનામાં 15થી 25 જેટલા વિદ્યાર્થીઓ અને હાજર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલાખોરો સામે વિદ્યાર્થીઓએ હિંમતભેર પ્રતિકાર કર્યો, જેના કારણે ટોળું અંતે પાછળ હટ્યું. સ્થિતિ વધુ બગડતી અટકાવવા માટે રાત્રે લગભગ 10 વાગ્યે ફરિદપુરના ડેપ્યુટી કમિશનરના આદેશ બાદ આયોજકોએ સત્તાવાર રીતે કોન્સર્ટ રદ કરવાની જાહેરાત કરી હતી અને સિંગર જેમ્સને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આયોજક સમિતિના પ્રચાર અને મીડિયા ઉપસમિતિના વડા રજિબુલ હસન ખાને જણાવ્યું હતું કે, જેમ્સના કોન્સર્ટ માટે તમામ તૈયારીઓ પૂર્ણ હતી અને મોટી સંખ્યામાં દર્શકો ઉમટવાની અપેક્ષા હતી, પરંતુ અચાનક થયેલા આ હુમલાએ આખો કાર્યક્રમ બગાડી નાખ્યો. તેમણે કહ્યું કે હાલ સુધી સ્પષ્ટ નથી કે હુમલો કોણે અને કયા હેતુથી કર્યો હતો. જો કે, અનેક અહેવાલોમાં આ ઘટનાને સ્થાનિક કટ્ટરપંથી જૂથો સાથે જોડવામાં આવી રહી છે, જે સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમોનો ખુલ્લેઆમ વિરોધ કરે છે.
આ ઘટના બાંગ્લાદેશમાં તાજેતરના સમયમાં વધતી જતી અસ્થિરતા અને કટ્ટરપંથી હિંસાના ભાગરૂપે જોવામાં આવી રહી છે, જેમાં સાંસ્કૃતિક સંસ્થાઓ, કલાકારો અને સ્વતંત્ર અભિવ્યક્તિને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જેમ્સ બાંગ્લાદેશના સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી રોક આઇકોન ગણાય છે અને તેમણે બોલિવૂડ ફિલ્મો ‘ગેંગસ્ટર’નું ‘ભીગી ભીગી’ અને ‘લાઇફ ઇન અ મેટ્રો’નું ‘અલવિદા’ જેવા લોકપ્રિય ગીતો પણ ગાયા છે. આ હુમલાએ બાંગ્લાદેશમાં કલાકારોની સુરક્ષા, સાંસ્કૃતિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિના અધિકાર અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની ઓળખ તથા હેતુ જાણવા પ્રયાસો ચાલુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel