ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (Free Trade Agreement – FTA) અંગેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થતાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સર્જાયો છે. ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે તેમની સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં જ ભારત સાથે FTA હાંસલ કરવાનો વચન પૂર્ણ કર્યો છે. તેમણે આ કરારને ન્યૂઝીલેન્ડ માટે ભવિષ્યના નિર્માણ અને માળખાગત સુવિધાઓમાં સુધાર લાવનારો કરાર ગણાવ્યો છે. ખાસ વાત એ છે કે ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી દ્વારા કેટલાક વાંધા વ્યક્ત કરવામાં આવ્યા હોવા છતાં વડા પ્રધાન લક્સને આ કરારનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે.
લક્સને પોતાના નિવેદનમાં કહ્યું કે આ FTAના કારણે ન્યૂઝીલેન્ડને 1.4 અબજ ભારતીય ગ્રાહકોના વિશાળ બજારમાં સીધી પહોંચ મળશે, જેના પરિણામે વધુ નોકરીઓનું સર્જન થશે, આવકમાં વધારો થશે અને નિકાસ માટે નવી તકો ખુલશે. માર્ચ 2025માં લક્સનની ભારત મુલાકાત દરમિયાન આ વાટાઘાટોની શરૂઆત થઈ હતી અને માત્ર નવ મહિનાની અંદર કરાર પૂર્ણ થવો તેમની સરકારની મોટી કૂટનીતિક અને આર્થિક સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ કરાર પર 2026ના પ્રથમ અર્ધમાં સત્તાવાર રીતે હસ્તાક્ષર થવાની અપેક્ષા છે અને જરૂરી પ્રાથમિક પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ સાતથી આઠ મહિનામાં તેનો અમલ શરૂ થવાની સંભાવના છે.
We said we’d secure a Free Trade Agreement with India in our first term, and we’ve delivered. This landmark deal means more jobs, higher incomes and more exports by opening the door to 1.4 billion Indian consumers.
Fixing the Basics. Building the Future.
— Christopher Luxon (@chrisluxonmp) December 27, 2025
હાલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર અંદાજે 2 અબજ ડોલરનો છે, જેને આગામી પાંચ વર્ષમાં બમણો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે ન્યૂઝીલેન્ડ તરફથી ભારતમાં આગામી 15 વર્ષમાં અંદાજે 20 અબજ ડોલરનું રોકાણ થવાની અપેક્ષા છે. આ કરાર બાદ ભારતને ન્યૂઝીલેન્ડના બજારમાં નિકાસ પર 100 ટકા ડ્યુટી-ફ્રી પ્રવેશ મળશે, જેના કારણે ટેક્સટાઇલ, ચામડાં, કાર્પેટ, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોને મોટો લાભ થશે.
આ ઉપરાંત માનવ સંસાધન ક્ષેત્રમાં પણ આ કરાર મહત્વપૂર્ણ સાબિત થશે. કુશળ ભારતીય વ્યાવસાયિકો માટે IT, એન્જિનિયરિંગ, હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં દર વર્ષે 5,000 વિઝા, 1,000 વર્કિંગ હોલિડે વિઝા અને વિદ્યાર્થીઓ માટે વધુ શૈક્ષણિક તકો ઉપલબ્ધ થશે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડના 95 ટકા નિકાસ પર ટેરિફમાં ઘટાડો અથવા સંપૂર્ણ નાબૂદી થશે, જેના કારણે કિવીફ્રૂટ, સફરજન, માનુકા હની, વાઈન અને વનસ્પતિ આધારિત ઉત્પાદનોને ભારતીય બજારમાં વિશાળ પહોંચ મળશે. કુલ મળીને આ FTA ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેપાર, રોકાણ, રોજગાર અને લોકો-થી-લોકો સંપર્કને નવી ઊંચાઈએ લઈ જનાર ઐતિહાસિક કરાર તરીકે જોવામાં આવી રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel