તાજેતરમાં રાજસ્થાનના ઉદયપુરમાં ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મની ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો હતો, ત્યાં હવે એવી જ એક વધુ દિલદહોળાવી દેતી ઘટના હરિયાણાના ફરિદાબાદમાંથી સામે આવી છે. અહીં 25 વર્ષીય યુવતી સાથે રાતે લિફ્ટ આપવાના બહાને અમાનવીય હેવાનિયત આચરવામાં આવી, જેના કારણે ફરી એકવાર મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પીડિતાના જણાવ્યા મુજબ, બે નરાધમોએ તેને ચાલતી વાનમાં બેસાડીને આખી રાત અલગ-અલગ સુમસાન રસ્તાઓ પર ફેરવ્યા અને વારંવાર સામૂહિક દુષ્કર્મ આચર્યું, ત્યારબાદ મંગળવારે વહેલી સવારે તેને ગંભીર રીતે ઘાયલ હાલતમાં ચાલતી ગાડીમાંથી રોડ પર ફેંકી ફરાર થઈ ગયા.
આ સમગ્ર ઘટનાની શરૂઆત સોમવારે સાંજે લગભગ 8:30 વાગ્યે થઈ હતી, જ્યારે યુવતીનો તેના ઘરે માતા સાથે ઝઘડો થયો હતો. ગુસ્સામાં અને નારાજ હાલતમાં તે ઘર છોડીને નીકળી ગઈ હતી અને બહેનને કહીને ગઈ હતી કે તે કોઈ મિત્રના ઘરે જઈ રહી છે અને થોડા કલાકોમાં પરત ફરી આવશે. જોકે રાત વધતી જતાં તેને ઘરે જવા માટે કોઈ વાહન મળતું નહોતું. અંતે કલ્યાણપુરી વિસ્તારમાં મેટ્રો ચોક નજીક વાનમાં આવેલા બે અજાણ્યા લોકોએ તેને લિફ્ટ ઓફર કરી, જેને તેણે નિર્દોષ મનથી સ્વીકારી લીધી. યુવતીએ વિચાર્યું હતું કે તે સલામત રીતે ઘરે પહોંચી જશે, પરંતુ આ લિફ્ટ તેના માટે ભયાનક દુઃસ્વપ્ન સાબિત થઈ.
વાનચાલક અને તેનો સાથી યુવતીને ઘરે છોડવાની જગ્યાએ ગુરુગ્રામ-ફરિદાબાદ રોડ તરફ લઈ ગયા અને હનુમાન મંદિર વિસ્તારથી આગળ સુમસાન રસ્તાઓ પર વાન દોડાવતા રહ્યા. જ્યારે યુવતીને શંકા ગઈ ત્યારે તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું, પરંતુ રાત્રીનો સમય, ભારે ઠંડી અને ઘાટું ધુમ્મસ હોવાથી કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, લગભગ ત્રણ કલાક સુધી આરોપીઓ અલગ-અલગ નિર્જન રસ્તાઓ પર વાન ફેરવતા રહ્યા અને આ દરમિયાન યુવતી સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું. આખરે મંગળવારે સવારે લગભગ 3 વાગ્યે આરોપીઓએ તેને ઘાયલ હાલતમાં ચાલતી વાનમાંથી રોડ પર ફેંકી દીધેલી અને ત્યાંથી ફરાર થઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને પીડિતાની ફરિયાદના આધારે કેસ દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસએ આ મામલે બે આરોપીઓની અટકાયત કરી લીધી હોવાનું જણાવ્યું છે અને આગળની તપાસ ચાલી રહી છે. આ ઘટના માત્ર એક ગુનાહિત કૃત્ય નહીં, પરંતુ સમાજ માટે શરમજનક ચેતવણી સમાન છે, જે ફરી એકવાર મહિલાઓની સલામતી અને રાત્રે લિફ્ટ લેવાની ખતરનાક હકીકત સામે લાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel