છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને નવા નવા ઝટકા લાગી રહ્યા છે. સુરત કોર્પોરેશનના 10 કોર્પોરેટર ભાજપમાં ભળી ગયા છે. ત્યારબાદ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાનની ડિગ્રી માગવા મુદ્દે માનહાનિની ફરિયાદ કરી છે. ત્યારે આજે 17 એપ્રિલે સુરતમાં આપના ગુજરાતના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અંગે વિવાદિત કોમેન્ટ બદલ ધરપકડ કરાઈ હતી. જો કે, પૂછપરછ બાદ જામીન મળ્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આજ રોજ એક જૂની એફઆરઆઈ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મને પૂછપરછ માટે બોલાવ્યો હતો, ત્યાર પછી પૂછપરછ દરમિયાન પોલીસે મારી કાયદેસરની ધરપકડ કરી હતી, ક્રાઈમ બ્રાન્ચનું એવું કહેવું છે કે ભાજપના કોઈ વ્યક્તિએ મારા વિરુદ્ધમાં થોડાક સમય અગાઉ એક ફરિયાદ આપેલી છે અને એ ફરિયાદમાં ભાજપના કાર્યકર્તાની મારા કોઈ ઉચ્ચારણ બાબતે લાગણી દુભાઈ ગઈ છે. એમનું એવું કહેવું છે કે મેં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિષે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિષે કેટલાક શબ્દો વાપર્યા છે. જે બાબતથી ભાજપના કાર્યકરની લાગણી દુભાઈ છે. એવું ભાજપના કાર્યકર્તા માને છે, એમણે એવી ફરિયાદ આપીં છે અને તે અનુસંધાને પોલીસે મારી ધરપકડ કરી છે, કેમ કે જામીનપાત્ર ગુનો છે, જેથી મને ક્રાઈમ બ્રાન્ચથી જામીન આપવામાં આવ્યા છે.
ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આમ જોવા જઈએ તો કાયદાકીય દૃષ્ટિએ આ વાતમાં કાંઈ છે, પરંતુ ખોટી રીતે માનસિક ત્રાસ આપવા, મનોબળ તોડી પાડવા, ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી આખી ખતમ થઇ જાય એવા બદઈરાદાથી આવી બધી કાર્યવાહી કરવામાં આવે છે, નેશનલી જોઈએ તો અરવિંદ કેજરીવાલને પણ સીબીઆઈ દ્વારા ખોટી રીતે સમન્સ કરવામાં આવે છે, અહિંયાં અમને પણ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં 40 લાખ મત લાવી 5 ધારાસભ્યો સાથે ગુજરાતમાં ત્રીજા નબરની મજબૂત પાર્ટી તરીકે ઊભરી આવી છે, ત્યારથી તમામ ભાજપવાળાના પેટમાં પાણી રેડાયું છે, અને યેનકેન પ્રકારેણ અમારું મનોબળ તોડી નાખવા, અમારી પાર્ટી તોડી નાખવા પ્રયત્નો કરે છે. પરંતુ અમે અરવિંદ કેજરીવાલના ઈમાનદાર સૈનિકો છીએ, આવા બધા નિમ્નક્ક્ષાના પ્રયત્નોથી અમે ડરવાના નથી, અમારી લડાઈ ચાલુ રહેશે, આ લડાઈ સડક પર લડવાની હોય, કોર્ટ-કચેરીમાં લડવાની હોય, કે સંસદ, વિધાનસભામાં લડવાની હોય અમે લડતા રહીશું અને ગુજરાતની જનતાનો અવાજ બનતા રહીશું.
પ્રતાપ જીરાવાલા (ચોવટિયા ) દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર સહ-પ્રભારી ગોપાલ ઇટાલિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપો થયા હતા. તે દરમિયાન પોતાના ચૂંટણી સંબોધનમાં જે તે સમયે તત્કાલીન આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીના વિરોધમાં ટિપ્પણીઓ કરી હતી, જેને ધ્યાનમાં રાખી ફરિયાદ થતાં આજે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.
વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે આપ નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપના નેતાઓ ઉપર સતત શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં ચૂંટણીનો મિજાજ ખૂબ જ જામી ગયો હતો. તે દરમિયાન પોતાના રાજકીય નિવેદનમાં હર્ષ સંઘવી ઉપર સતત શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હતા. રાજ્યમાં સતત ડ્રગ્સ પકડાતું હોવાને કારણે ગોપાલ ઇટાલિયા એ હર્ષ સંઘવીને ડ્રગ્સ સંઘવી તરીકે નિવેદન આપ્યું હતું. જે અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આજે ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે.