ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશની સુરક્ષાને ગંભીર જોખમ પહોંચાડી શકે તેવા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરતાં બે શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, દેશની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાની જાસૂસોને પહોંચાડવાના આરોપસર એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનની ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા બે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી—દમણમાંથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા અને ગોવામાંથી પૂર્વ સુબેદાર એ.કે. સિંહને ઝડપી લેવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓ સાથે સંપર્કમાં હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લઈ રહ્યા હતા. પૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહ પર તો પાકિસ્તાની હેન્ડલર્સને આર્થિક મદદ પહોંચાડવાનો પણ ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ઉપરાંત, બંને દેશના સંવેદનશીલ વિસ્તારો, માળખાકીય સુવિધાઓ અને સુરક્ષા આયોજનથી સંબંધિત ગુપ્ત માહિતી એકત્ર કરીને પાકિસ્તાની તંત્ર સુધી પહોંચાડતા હોવાનું ATSને મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે.
હાલ ATS સમગ્ર નેટવર્કને બહાર લાવવા માટે તપાસનો દોર વિસ્તારી રહી છે. આ બંનેએ અત્યાર સુધી કેટલી મહત્ત્વપૂર્ણ માહિતી લીક કરી છે, તેઓ કઈ રીતથી સંપર્કમાં હતા, તેમના પાછળ અન્ય કોણ-કોણ લોકો જોડાયેલા છે તથા જાસૂસી નેટવર્ક કેટલી હદ સુધી વ્યાપક છે તેની વિગતવાર તપાસ ચાલુ છે. આ બંનેની ધરપકડને રાષ્ટ્રીય સુરક્ષામાં મહત્વપૂર્ણ સફળતા ગણવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel