મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે 24થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગમાં ગુજરાતની મહિલા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ અને ગૌરવપૂર્ણ પ્રદર્શન કરીને રાજ્યનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે. પશ્ચિમ ઝોનના કુલ 8 રાજ્યો વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ કેટેગરી અને ઇવેન્ટ્સમાં 495 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાત તરફથી 31 મહિલા ખેલાડીઓ, 3 કોચ, એક રેફરી અને એક અધિકારી સાથે ટીમે ભાગ લઈ કુલ 20 મેડલ જીત્યા હતા, જેમાં 11 ગોલ્ડ, 2 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
આ શાનદાર પ્રદર્શનના પરિણામે ગુજરાતે સેકન્ડ રનર-અપ ટ્રોફી જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, જે ખેલો ઇન્ડિયા અસ્મિતા કિકબોક્સિંગ ઝોનલ લીગના ઇતિહાસમાં રાજ્ય માટે પ્રથમ વખત નોંધાઈ છે. ગોલ્ડ મેડલ વિજેતાઓમાં દિનકલ ગોરખા, ઈશિતા ગાંધી, કાવ્યા જાડેજા, તત્તવજ્ઞા વાલા, પાવની દયાલ, ખુશી પંચાલ, મનસ્વી સલુજા, જિયા શિંદે, દિયા કોઠી, ઈશા કોઠી અને અનમોલ ટંડેલનો સમાવેશ થાય છે, જ્યારે યામી પટેલ અને કાવ્યા શાસ્ત્રીએ સિલ્વર મેડલ જીત્યા હતા. બ્રોન્ઝ મેડલ અક્ષયા દલવી, હિયા અમરે, કાવ્યા જાદવ, ધૂન જયસ્વાલ, અંશી ગામિત, જિયાના ઠાકોર અને કોમલ ઉમારાણીયાએ મેળવ્યા હતા.
તમામ મેડલ વિજેતા ખેલાડીઓને ખેલો ઇન્ડિયા અસ્મિતા યોજનાના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ ગુજરાતના તમામ મેડલ વિજેતાઓને ચેન્નાઈમાં યોજાનારી ખેલો ઇન્ડિયા અસ્મિતા નેશનલ રેન્કિંગ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ 2025 માટે પસંદગી મળતા રાજ્યભરમાં ખુશી અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel