ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉન (Kim Jong Un)એ પોતાના રાજકીય ઉત્તરાધિકારી અંગે મહત્વપૂર્ણ સંકેત આપતા પોતાની લગભગ 13 વર્ષની પુત્રી કિમ જૂ-એ (Kim Ju Ae)ને આગામી નેતૃત્વ માટે આગળ લાવવાનો નિર્ણય કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઉત્તર કોરિયાની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી કિમ જૂ-એ વિવિધ સૈન્ય અને રાજકીય કાર્યક્રમોમાં સતત હાજરી આપતી જોવા મળી રહી છે, જેને ઉત્તરાધિકારી બનાવવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં થયેલા મિસાઈલ પરીક્ષણો, સૈન્ય પરેડ અને મહત્વપૂર્ણ રાજ્ય કાર્યક્રમોમાં કિમ જૂ-એ પિતા સાથે હાજર રહી છે. વિશેષ કરીને ઉત્તર કોરિયાના સ્ટ્રેટેજિક મિસાઈલ લોન્ચ કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. નિરીક્ષકોના મતે, આ રીતે જાહેર મંચો પર પુત્રીને આગળ લાવવું સત્તા હસ્તાંતરણની લાંબા ગાળાની તૈયારીનો ભાગ હોઈ શકે છે. કિમ જોંગ ઉનની ચીન મુલાકાત દરમિયાન પણ કિમ જૂ-એ સાથે જોવા મળતાં ઉત્તરાધિકારી અંગેની અટકળો વધુ મજબૂત બની છે.
ઉત્તર કોરિયામાં ઉત્તરાધિકારી તરીકે મહિલા નેતાની પસંદગીનો સંકેત ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી કિમ વંશમાં સત્તા હંમેશા પુરુષ નેતાઓ પાસે રહી છે. આ મહિનાના અંતમાં યોજાનાર પાર્ટી કોંગ્રેસ દરમિયાન કિમ જૂ-એની ભૂમિકા પર વૈશ્વિક રાજકીય વિશ્લેષકોની નજર રહેશે. જો સત્તાવાર રીતે તેને આગળ લાવવામાં આવશે તો ઉત્તર કોરિયાની રાજકીય પરંપરામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.
મીડિયા અહેવાલો મુજબ, કિમ જૂ-એનો જન્મ આશરે 2010 આસપાસ થયો હોવાનું માનવામાં આવે છે, જોકે ઉત્તર કોરિયા સરકારે તેની ઉંમર અંગે સત્તાવાર માહિતી જાહેર કરી નથી. NISના જણાવ્યા અનુસાર, તેણીએ કોઈ જાહેર શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કર્યો નથી અને પ્યોંગયાંગમાં ઘરેથી જ શિક્ષણ મેળવ્યું છે. તેને ઘોડેસવારી, સ્કીઈંગ અને તરવાની વિશેષ તાલીમ આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. 2022માં પ્રથમ વખત મિસાઈલ લોન્ચિંગ કાર્યક્રમમાં જાહેર ઉપસ્થિતિ બાદ તે સતત રાજકીય અને સૈન્ય ઇવેન્ટ્સમાં જોવા મળી રહી છે.
વિશ્વભરના રાજકીય વિશ્લેષકોના મત મુજબ, ઉત્તર કોરિયાની આંતરિક રાજનીતિ અને ભવિષ્યના સત્તા સંતુલન માટે આ નિર્ણય મહત્વપૂર્ણ બની શકે છે. આગામી સમયમાં પાર્ટી કોંગ્રેસ અને સત્તાવાર જાહેરાતો દ્વારા કિમ જૂ-એની ભૂમિકા વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel