રાજસ્થાનના અલવર જિલ્લામાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ખુશખેડા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં સાત લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં સમગ્ર ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ અને અંદર કામ કરી રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનું માહોલ સર્જી દીધું છે.
માહિતી મુજબ સોમવારે સવારે લગભગ 10 વાગ્યે અલવર જિલ્લાના ખુશખેડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નંબર G-1, 118માં આવેલી ફેક્ટરીમાંથી અચાનક ધુમાડો નીકળવાનું શરૂ થયું. કહેવામાં આવે છે કે ફેક્ટરી છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને અંદર હાજર લોકો બચી શક્યા નહોતા. આ દુર્ઘટનામાં 7 લોકો જીવતા સળગી ગયા હોવાની પુષ્ટિ થઈ છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આગ લાગ્યા બાદ ફેક્ટરીની અંદર ત્રણથી ચાર જોરદાર વિસ્ફોટ થયા હતા. ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ અંદર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરો ફાટવાને કારણે આ વિસ્ફોટ થયા હોઈ શકે છે, જોકે સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
બચાવ કામગીરીમાં ભારે જહેમત
આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની અડધો ડઝનથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફેક્ટરીમાં મોટી માત્રામાં પૂંઠાનો સ્ટોક હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને તેને કાબૂમાં લેવા ફાયર ફાઈટરોને ભારે મહેનત કરવી પડી હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસની ફેક્ટરીઓ ખાલી કરાવવામાં આવી અને વીજ પુરવઠો પણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો. ભિવાડી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અંદર રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કે બંધ ફેક્ટરીમાં લોકો શું કામ કરી રહ્યા હતા અને વિસ્ફોટ પાછળનું અસલી કારણ શું હતું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel