ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના બાંથરા વિસ્તારમાં એક દિલ દહોળી દે તેવી હિટ એન્ડ રન ઘટના સામે આવી છે, જેમાં તેજ ગતિએ દોડતી કારના કારણે ભારે અકસ્માત સર્જાયો હતો. કાનપુર બાદ હવે લખનૌમાં પણ સ્પીડના શોખીન સગીર દ્વારા સર્જાયેલા આ અકસ્માતે લોકોમાં ભય અને ગુસ્સો બંને વધાર્યા છે. આ દુર્ઘટનામાં 6 વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ સફેદ રંગની સ્વિફ્ટ કાર લખનૌ-કાનપુર હાઈવે પર અતિશય ઝડપે દોડી રહી હતી. અચાનક કારનું ટાયર ફાટી જતાં ડ્રાઈવરનું નિયંત્રણ ગુમાઈ ગયું અને વાહન બેકાબૂ બની ગયું. કાર પહેલા એક બાઈક સાથે અથડાઈ, ત્યારબાદ ઓટો-રિક્ષા, ઇ-રિક્ષા અને એક ટ્રેક્ટરને ટક્કર મારી. આટલું જ નહીં, કાર રસ્તો પાર કરતા રાહદારીઓ પર ચડી ગઈ અને લગભગ 100 મીટર સુધી લોકોને કચડતી આગળ વધી ગઈ.
https://twitter.com/oneindianewscom/status/2022205850132348939
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે કાર ચલાવનાર 12મા ધોરણનો સગીર વિદ્યાર્થી હતો, જે પોતાની શાળાના ફેરવેલ કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યો હતો. કારમાં તેની સાથે એક યુવતી પણ બેઠેલી હતી. અકસ્માત બાદ વિદ્યાર્થી ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો, જ્યારે પોલીસે તેની સાથે રહેલી યુવતીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. માહિતી અનુસાર, કાર સ્થાનિક ગામના સરપંચની હતી, જેને તેમના પુત્રના મિત્ર દ્વારા ઉછીની લેવામાં આવી હતી.
વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં કારની ઝડપ અને અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ જોવા મળે છે. ટાયર ફાટ્યા બાદ કાર જિગ-જેગ રીતે દોડતી જોવા મળે છે અને રસ્તા પર ચાલતા નિર્દોષ લોકો, જેમાં મહિલાઓ અને બાળકો સામેલ હતા, હવામાં ઉછળતા દેખાય છે. ગંભીર રીતે ઘાયલ થયેલી 6 વર્ષની બાળકી ને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
લખનૌ પોલીસે કેસ નોંધ્યો છે અને ફરાર વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે વાહન જપ્ત કરી લીધું છે અને કારના માલિક સહિત સંબંધિત લોકોની પૂછપરછ ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સગીર વયના બાળકોને વાહન આપતા વાલીઓ અને માર્ગ સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel