અમદાવાદના ટ્રાફિક માટે અત્યંત મહત્વનો ગણાતો સુભાષ બ્રિજ હવે નવા અને આધુનિક સ્વરૂપમાં બનાવવામાં આવશે. AMC દ્વારા લગભગ ₹235 કરોડના ખર્ચે નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. હાલનો જૂનો બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જોખમી જાહેર કરવામાં આવ્યો છે અને તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશનનું લક્ષ્ય છે કે જાન્યુઆરી 2027 સુધીમાં નવો બ્રિજ તૈયાર કરીને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે.
સાબરમતી નદી ખાલી રાખવામાં આવશે
મળતી માહિતી મુજબ આગામી 1 એપ્રિલથી 15 જૂન સુધી લગભગ અઢી મહિનાના સમયગાળા માટે સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવશે. વાસણા બેરેજ ખાતે સિંચાઈ વિભાગ દ્વારા 30માંથી 18 દરવાજા નવા નાખવાની તેમજ અન્ય દરવાજાઓની મરામત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નદી ખાલી હોવાને કારણે કોર્પોરેશનને સુભાષ બ્રિજ તોડવાની પ્રક્રિયા સરળ બનશે અને બ્રિજનો કાટમાળ નદીના પટમાં જમા કરીને તેનો સરળતાથી નિકાલ કરી શકાશે.
એપ્રિલથી બ્રિજ ડિમોલિશન શરૂ થશે
બ્રિજને તોડવાની પ્રક્રિયા માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. સુભાષ બ્રિજ જૂની બેલેન્સ કેન્ટીલીવર પદ્ધતિથી બનાવવામાં આવ્યો હોવાથી તેના 6 સ્પાન તોડવા માટે વિશેષ ટેક્નિકલ પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે. આ માટે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અથવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેવા સંસ્થાઓની મદદ લેવામાં આવી છે. એપ્રિલ મહિનાથી બ્રિજના ઉપરના સ્ટ્રક્ચરને તોડવાનું કામ શરૂ થશે અને નદી ખાલી હોય ત્યારે જ આ ડિમોલિશનની પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
નવા બ્રિજ માટે સોઇલ ટેસ્ટિંગ ચાલુ
હાલમાં નવા બ્રિજ માટે જમીનની ક્ષમતા જાણવા સોઇલ ટેસ્ટિંગ અને માપણીની કામગીરી ઝડપથી ચાલી રહી છે. ખાસ કરીને કલેક્ટર ઓફિસ અમદાવાદ તરફના છેડેથી ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગ દ્વારા જમીનની ઊંડાઈ અને તે કેટલો ભાર સહન કરી શકે તેની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવી રહી છે, જેથી નવા બ્રિજ માટે મજબૂત પાયો તૈયાર કરી શકાય.
બે મોટા પ્રોજેક્ટ સાથે ચાલશે
વાસણા બેરેજ ખાતે ડેમ સેફ્ટી અંતર્ગત થનારી મરામત અને સુભાષ બ્રિજના નવનિર્માણ – આ બંને મોટા પ્રોજેક્ટ એકસાથે હાથ ધરવામાં આવશે. જેના કારણે આ ઉનાળામાં સાબરમતી નદીનો પટ મોટા ભાગે સુકો જોવા મળી શકે છે. કોર્પોરેશન દ્વારા આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે નદીમાં ફરી પાણી ભરાય તે પહેલાં જોખમી બ્રિજ સ્ટ્રક્ચરને દૂર કરી દેવામાં આવે અને ચોમાસા પહેલા નવા બ્રિજના પાયા નાખવાનું કામ શરૂ થઈ શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel