Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 26°C

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 : PM મોદીએ રજૂ કર્યું ‘MANAV’ વિઝન, માનવ-કેન્દ્રિત AI પર આપ્યો ભાર

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 : PM મોદીએ રજૂ કર્યું ‘MANAV’ વિઝન, માનવ-કેન્દ્રિત AI પર આપ્યો ભાર

19 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ટેક સમુદાયને સંબોધિત કરતા AIને માનવ-કેન્દ્રિત બનાવવા, નૈતિકતા અને જવાબદાર ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતને વિશ્વના સૌથી મોટા ટેક ટેલેન્ટ પૂલ તરીકે ઓળખાવતા કહ્યું કે આ સમિટ ગ્લોબલ સાઉથ માટે ગૌરવનો વિષય છે અને AI ક્ષેત્રે સહયોગ અને નવીનતા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહી છે.

ભારત વિશ્વનું ટેક ટેલેન્ટ કેન્દ્ર: PM મોદી

સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને વિશ્વભરના મહેમાનોનું સ્વાગત કરતાં જણાવ્યું કે ભારત માત્ર નવી ટેક્નોલોજી વિકસાવે છે એટલું જ નહીં પરંતુ તેને ઝડપથી અપનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. તેમણે કહ્યું કે વિશ્વની સૌથી ઐતિહાસિક AI સમિટ ભારતમાં યોજાવું ગ્લોબલ સાઉથ માટે ગૌરવ સમાન છે. ભારતના યુવા અને ટેક ઇકોસિસ્ટમ AI ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી દિશા આપી શકે છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો.

AI – પરિવર્તનશીલ શક્તિ, પરંતુ માનવ-કેન્દ્રિત અભિગમ જરૂરી

PM મોદીએ AIને પરિવર્તનશીલ શક્તિ ગણાવતા કહ્યું કે જો તેને યોગ્ય દિશા આપવામાં આવે તો તે સમસ્યાઓના ઉકેલ બની શકે છે, પરંતુ દિશાહીન રહે તો વિક્ષેપ સર્જી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે AIને મશીન-કેન્દ્રિત નહીં પરંતુ માનવ-કેન્દ્રિત બનાવવું એ સમિટનો મુખ્ય ઉદ્દેશ છે. “AI મશીનોને બુદ્ધિશાળી બનાવે છે, પરંતુ તે માનવ ક્ષમતાઓને અનેકગણી વધારે છે,” એમ તેમણે જણાવ્યું. તેમણે ઉમેર્યું કે મશીન લર્નિંગથી લર્નિંગ મશીન્સ સુધીની સફર હવે વધુ ઝડપી અને વ્યાપક બની રહી છે, જ્યાં માનવ અને બુદ્ધિશાળી સિસ્ટમ્સ સાથે મળીને સર્જન અને વિકાસ કરશે.

જવાબદારી, ભવિષ્ય અને નૈતિકતા પર ભાર

વડા પ્રધાને કહ્યું કે AIના વિકાસ સાથે મોટી જવાબદારી પણ જોડાયેલી છે. “અસલી પ્રશ્ન એ નથી કે ભવિષ્યમાં AI શું કરી શકે છે, પ્રશ્ન એ છે કે આજે આપણે AI સાથે શું કરી રહ્યા છીએ,” એમ તેમણે જણાવ્યું. ન્યુક્લિયર પાવરનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ટેક્નોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થાય તે જરૂરી છે. AIને ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સિદ્ધાંત સાથે જોડીને આગળ વધવાની તેમણે અપીલ કરી.

AIનું લોકશાહીકરણ અને ડિજિટલ સુરક્ષા

PM મોદીએ AIને સમાવેશ અને સશક્તિકરણનું સાધન બનાવવા પર ભાર મૂકતા કહ્યું કે ગ્લોબલ સાઉથ માટે AIનું લોકશાહીકરણ મહત્વપૂર્ણ છે. તેમણે GPSનું ઉદાહરણ આપતા જણાવ્યું કે ટેક્નોલોજી માર્ગ બતાવે છે પરંતુ અંતિમ નિર્ણય માનવનો હોવો જોઈએ. ડીપફેક અને ડિજિટલ ભ્રામક સામગ્રી અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઓથેન્ટિસિટી લેબલ, વોટરમાર્કિંગ અને સ્પષ્ટ સ્ટાન્ડર્ડ્સની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે AI સ્પેસ બાળકો માટે સુરક્ષિત અને પરિવાર-માર્ગદર્શિત હોવું જોઈએ.

‘MANAV’ વિઝન: AI માટે ભારતનો માર્ગદર્શક મોડેલ

AI સમિટ દરમિયાન PM મોદીએ AI માટે ‘MANAV’ વિઝન રજૂ કર્યું:

  • M – Moral & Ethical systems: નૈતિક માર્ગદર્શન પર આધારિત AI
  • A – Accountable governance: પારદર્શક નિયમો અને મજબૂત દેખરેખ
  • N – National sovereignty: ડેટા પર રાષ્ટ્રીય અધિકાર
  • A – Accessible & Inclusive: AI મલ્ટિપ્લાયર બને, મોનોપોલી નહીં
  • V – Valid & Legitimate: કાયદેસર અને વેરિફાયેબલ AI

તેમણે જણાવ્યું કે MANAV વિઝન માનવ કલ્યાણ અને જવાબદાર AI વિકાસ માટે 21મી સદીનું માર્ગદર્શન બની શકે છે.

યુવા શક્તિ અને વૈશ્વિક સહયોગ માટે કોલ ટુ એક્શન

PM મોદીએ વિશ્વના યુવાનોના AI પ્રત્યેના ઉત્સાહની પ્રશંસા કરતા કહ્યું કે ત્રણ ભારતીય કંપનીઓએ સમિટ દરમિયાન નવા AI મોડલ્સ અને એપ્સ લોન્ચ કર્યા છે, જે ભારતની નવીનતા અને પ્રતિભા દર્શાવે છે. અંતે તેમણે વૈશ્વિક ટેક સમુદાયને આમંત્રણ આપ્યું: “ભારતમાં ડિઝાઇન કરો, ભારતમાં ડેવલપ કરો, વિશ્વને અને માનવતાને ડિલિવર કરો.”

આ સંબોધન ભારતને AI ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ ધપાવવાનો અને AIને માનવ કલ્યાણ સાથે જોડવાનો મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.