બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ અને અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારતે પોતાની સરહદી સુરક્ષા વ્યવસ્થાને અભૂતપૂર્વ રીતે મજબૂત કરી દીધી છે. ખાસ કરીને દેશના વ્યૂહાત્મક દૃષ્ટિએ અતિ મહત્વના ચિકન નેક એટલે કે સિલીગુડી કોરિડોર વિસ્તારમાં ભારતીય સેના અને સીમા સુરક્ષા દળ (BSF) હાઈએલર્ટ પર છે. આ વિસ્તાર ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોને મુખ્ય ભૂમિ સાથે જોડતી એકમાત્ર જમીની કડી હોવાથી તેને દેશની ‘લાઈફલાઈન’ માનવામાં આવે છે.
આ સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને BSF દ્વારા અહીં લગભગ 75 ટકા સરહદી વિસ્તારમાં નવી ડિઝાઇનની 12 ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ લગાવી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ફેન્સિંગ અત્યંત મજબૂત છે, જેને કાપવું કે કૂદવું ઘૂસણખોરો માટે લગભગ અશક્ય છે. જો કોઈ ફેન્સિંગ કાપવાનો પ્રયાસ કરે તો તેમાં ઘણો સમય લાગશે, એટલા સમયમાં સુરક્ષા દળોને એલર્ટ મળી જશે. આ ફેન્સિંગથી ગેરકાયદેસર ઘૂસણખોરી ઉપરાંત પશુ તસ્કરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે.
આ સાથે સરહદ પર આધુનિક ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નવી ફેન્સિંગની સાથે રિયલ-ટાઈમ લાઈવ ફીડ આપતા પેન-ટિલ્ટ-ઝૂમ (PTZ) કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા દરેક હલચલ પર સતત નજર રાખી શકાય છે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણકારી મળી શકે છે. BSFના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ચિકન નેક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કોઈ પણ જોખમ સામે ‘અભેદ્ય કિલ્લા’ જેવી બનાવવામાં આવી રહી છે. આ આંકડાઓ પણ સુરક્ષા દળોની સતર્કતા દર્શાવે છે કે વર્ષ 2025 દરમિયાન BSFએ આશરે 8.5 કરોડ રૂપિયાના મૂલ્યની પશુઓ, સોનું, ચાંદી, વન્યજીવ ઉત્પાદનો, હથિયારો, દારૂગોળો સહિતનો તસ્કરીનો સામાન જપ્ત કર્યો છે.
આ દરમિયાન 440 બાંગ્લાદેશી, 152 ભારતીય અને 11 અન્ય શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 187 બાંગ્લાદેશી નાગરિકોને કાયદાકીય પ્રક્રિયા બાદ તેમના દેશમાં સોંપી દેવામાં આવ્યા છે. આ તમામ પગલાંથી સ્પષ્ટ થાય છે કે બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારત પોતાની સરહદ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવા તૈયાર નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel