ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ ચર્ચાઓ વચ્ચે અમેરિકન પ્રશાસને મહત્વપૂર્ણ ફેરફારો સાથે નવી ફેક્ટશીટ પ્રકાશિત કરી છે. અગાઉ જાહેર કરાયેલા દસ્તાવેજમાં રહેલી કેટલીક વિગતો પર ભારતમાં રાજકીય ચર્ચા અને વિવાદ ઉભો થયો હતો, જેને ધ્યાનમાં રાખીને હવે વ્હાઇટ હાઉસે ભાષા અને મુદ્દાઓમાં સુધારા કર્યા છે. ભારત સરકાર સતત સ્પષ્ટતા કરતી રહી હતી કે કેટલીક બાબતો અંગે ખોટી સમજણ ઉભી કરવામાં આવી રહી છે, અને હવે સુધારેલા વર્ઝનથી તે દાવાઓમાં ફેરફાર જોવા મળ્યો છે.
સુધારેલી ફેક્ટશીટમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર દાળ સંબંધિત ઉલ્લેખ હટાવવાનો છે. અગાઉના વર્ઝનમાં જણાવાયું હતું કે ભારત અમુક અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે અથવા દૂર કરશે અને તેમાં દાળનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ નવા દસ્તાવેજમાં દાળ અથવા અન્ય ચોક્કસ ખેતી ઉત્પાદનો અંગેનો ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો છે, જેનાથી ટ્રેડ નેગોશિએશન અંગેની સ્પષ્ટતા વધતી જોવા મળી રહી છે.
Just in: White House drops pulses, changes 'committed' to 'intends' for $500 bn purchase in updated White House Fact Sheet on India Trade Deal
Updated Fact Sheethttps://t.co/jPJ2qpY0Ko https://t.co/X9TwHBBu0Z
— Sidhant Sibal (@sidhant) February 11, 2026
બીજો મહત્વપૂર્ણ ફેરફાર 500 બિલિયન ડૉલરના વેપાર લક્ષ્યાંક અંગે કરવામાં આવ્યો છે. મૂળ ફેક્ટશીટમાં ‘committed’ શબ્દનો ઉપયોગ કરીને એવું સૂચવાયું હતું કે ભારતે અમેરિકી ઉત્પાદનોની મોટી ખરીદી માટે બાંહેધરી આપી છે. હવે આ શબ્દને બદલીને ‘intends’ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ભારત માત્ર વેપાર વધારવાના ઇરાદા સાથે આગળ વધી રહ્યું છે, પરંતુ કોઈ ફરજિયાત પ્રતિબદ્ધતા આપી નથી. આ બદલાવ ભારત સરકારના અગાઉના નિવેદનો સાથે સુસંગત માનવામાં આવી રહ્યો છે.
ડિજિટલ સર્વિસિસ ટેક્સ સંબંધિત દાવામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉના વર્ઝનમાં ભારત આ ટેક્સ દૂર કરશે એવો ઉલ્લેખ હતો, પરંતુ હવે સુધારેલી ફેક્ટશીટમાંથી આ મુદ્દો દૂર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારત સરકારે કેટલીક બાબતો અંગે વાંધા વ્યક્ત કર્યા બાદ અમેરિકન પ્રશાસને દસ્તાવેજમાં સુધારા કર્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ બંને દેશો વચ્ચે વચગાળાની વ્યાપાર સમજૂતી અંગે જાહેરાત થઈ હતી. ત્યારબાદ સંયુક્ત નિવેદન પણ જાહેર થયું હતું અને માર્ચ મહિનામાં આ કરારને અંતિમ સ્વરૂપ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ફેરફારો દર્શાવે છે કે ભારત-અમેરિકા વેપાર સંબંધો વધુ સંતુલિત અને પારદર્શક શરતો પર આગળ વધી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel