ભારત સરકારે AI-જનરેટેડ કન્ટેન્ટ અને ડીપફેકના વધતા દુરુપયોગ સામે કડક પગલાં લેતાં નવા IT નિયમોની જાહેરાત કરી છે. તાજેતરમાં મહિલાઓ અને બાળકોના અશ્લીલ AI ફોટા અને વીડિયો બનાવવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે 10 ફેબ્રુઆરી, 2026ના રોજ મહત્વપૂર્ણ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. ‘માહિતી ટેકનોલોજી (મધ્યવર્તી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચાર સંહિતા) સુધારા નિયમો, 2026’ નામે જાહેર કરાયેલા આ નિયમો 20 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે. આ સુધારા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય ડીપફેક, મિસઇન્ફોર્મેશન, નોન-કન્સેન્શ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજરી (NCII), બાળ અશ્લીલતા (CSAM), ખોટી ઓળખ, છેતરપિંડી અને અન્ય હાનિકારક સિન્થેટિક કન્ટેન્ટ પર નિયંત્રણ લાવવાનો છે. નવા નિયમો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, એક્સ, ટેલિગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને AI ટૂલ્સ પ્રદાન કરતી કંપનીઓ પર લાગુ પડશે.
Central Government makes rules to further amend the Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021.
The Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Amendment Rules, 2026 to come into force on 20th… pic.twitter.com/1revNm7lC9
— ANI (@ANI) February 10, 2026
નવી જોગવાઈઓ હેઠળ સરકારે પહેલીવાર ‘ડીપફેક’ને કાયદાકીય રીતે SGI (Synthetic Generated Information) તરીકે વ્યાખ્યાયિત કર્યું છે. ઓડિયો, ફોટો, ગ્રાફિક્સ અથવા વીડિયો સહિત કોઈપણ સામગ્રી જે AI દ્વારા બનાવવામાં આવી હોય અથવા મૂળ સામગ્રીમાં ફેરફાર કરીને તૈયાર કરવામાં આવી હોય તે SGI ગણાશે. જો કોઈ કન્ટેન્ટ એટલું વાસ્તવિક લાગે કે સામાન્ય વ્યક્તિ તેને અસલી ઘટના અથવા વ્યક્તિથી અલગ ન કરી શકે તો તે નિયમોના દાયરામાં આવશે. જોકે સામાન્ય એડિટિંગ, કલર એડજસ્ટમેન્ટ, ભાષાંતર, ફાઈલ સાઈઝ બદલવી અથવા શૈક્ષણિક સામગ્રી જેવી પ્રવૃત્તિઓને આ કડક વ્યાખ્યામાંથી બહાર રાખવામાં આવી છે, જેથી સામાન્ય યુઝર્સને મુશ્કેલી ન પડે.
નવા IT નિયમો મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે ડ્યુ ડિલિજન્સની ફરજો વધુ કડક બનાવવામાં આવી છે. હવે AI દ્વારા બનાવેલી સામગ્રી પર સ્પષ્ટ અને દેખાય તેવી રીતે ‘AI જનરેટેડ’ લેબલ લગાવવું ફરજિયાત રહેશે. સાથે જ કન્ટેન્ટમાં પર્મનેન્ટ મેટાડેટા અથવા યુનિક આઇડેન્ટિફાયર જોડવાનું રહેશે જેથી તેના સ્રોત અને બનાવનારની ઓળખ સરળતાથી ટ્રેસ કરી શકાય. મોટા પ્લેટફોર્મ્સે યુઝર દ્વારા અપલોડ કરાયેલા કન્ટેન્ટની ઓટોમેટેડ AI ટૂલ્સથી ચકાસણી કરવી પડશે અને માત્ર યુઝરના દાવા પર નિર્ભર રહી શકશે નહીં. જો કોઈ પ્લેટફોર્મ બેદરકારી દાખવે તો તેને કાયદેસર રીતે જવાબદાર ગણાશે.
સરકારે ખાસ કરીને બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી, ડીપફેક પોર્નોગ્રાફી, ખોટી ઓળખ અને હાનિકારક સિન્થેટિક કન્ટેન્ટ સામે ટેકનિકલ ફિલ્ટરિંગ ફરજિયાત કર્યું છે. પ્લેટફોર્મ્સ હવે ‘અમને ખબર નહોતી’ એવું કહી બચી શકશે નહીં; તેમને પોતાની ટેકનોલોજીથી ગેરકાયદેસર કન્ટેન્ટ ઓળખી અને ઝડપથી દૂર કરવું પડશે. નવા નિયમોમાં સૌથી મોટો ફેરફાર ઝડપી ટેકડાઉન સમયમર્યાદા છે. સરકાર અથવા કોર્ટ દ્વારા ગેરકાયદેસર જાહેર કરાયેલ કન્ટેન્ટ માત્ર 3 કલાકમાં દૂર કરવું પડશે, જ્યારે નોન-કન્સેન્શ્યુઅલ ન્યુડિટી અથવા હાનિકારક ડીપફેક માટે ફરિયાદ મળ્યાના 2 કલાકમાં કાર્યવાહી ફરજિયાત છે. સામાન્ય ફરિયાદો માટે ગ્રીવન્સ ઓફિસરે હવે 7 દિવસમાં નિવારણ આપવું પડશે.
આ ઉપરાંત પ્લેટફોર્મ્સે હવે દર ત્રણ મહિને યુઝર્સને નિયમો અને કાયદાકીય પરિણામો અંગે માહિતી આપવી પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર યુઝર્સના એકાઉન્ટ સસ્પેન્ડ અથવા કાયમી બંધ કરવાની સત્તા પણ આપવામાં આવી છે. સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ જો કોઈ પ્લેટફોર્મ નવા નિયમોનું પાલન નહીં કરે તો તેને IT Act હેઠળ મળતી ‘સેફ હાર્બર’ સુરક્ષા ગુમાવવી પડી શકે છે, જેના કારણે કંપની સામે સીધી કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
ટેકનિકલ અમલીકરણમાં સરકારે 10% વોટરમાર્કની કડક શરતને બદલે ‘પ્રમુખ લેબલિંગ’ પર ભાર મૂક્યો છે, જેથી AI કન્ટેન્ટ પર સ્પષ્ટ રીતે ઓળખી શકાય તેવું લેબલ દેખાય. નવા નિયમો BNS, POCSO અને અન્ય સંબંધિત કાયદાઓ સાથે સંકલિત કરવામાં આવ્યા છે, જેથી મહિલાઓ અને બાળકો સામેના ડિજિટલ ગુનાઓ પર કડક કાર્યવાહી થઈ શકે. સરકારના મતે આ નિયમો ડિજિટલ પ્લેટફોર્મ્સને વધુ જવાબદાર બનાવશે, ડીપફેક અને ખોટી માહિતી પર અંકુશ લાવશે અને ડિજિટલ ઇકોસિસ્ટમમાં પારદર્શિતા વધારશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel