દુનિયાના નકશા પર જેમ હોર્મુઝની ખાડી વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે ભારત પાસે પણ એક શક્તિશાળી વ્યૂહાત્મક પોઈન્ટ છે. અંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક આવેલો મલક્કાની સામુદ્રધુની વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંનો એક છે. અહીંથી વિશ્વનો લગભગ 25% દરિયાઈ વેપાર પસાર થાય છે, જેના કારણે આ વિસ્તાર વૈશ્વિક અર્થતંત્ર માટે લાઇફલાઇન સમાન માનવામાં આવે છે.
યુદ્ધ અને રણનીતિની ભાષામાં ‘ચોક પોઈન્ટ’ એવો સાંકડો દરિયાઈ માર્ગ હોય છે, જ્યાંથી જહાજોનું પસાર થવું અનિવાર્ય બને છે. મલક્કા સ્ટ્રેટ એ જ પ્રકારનું એક મહત્વપૂર્ણ ચોક પોઈન્ટ છે, જ્યાં ભારતની ભૌગોલિક સ્થિતિ તેને મજબૂત બનાવે છે. ખાસ કરીને ચીન માટે આ માર્ગ અત્યંત મહત્વનો છે, કારણ કે તેની અંદાજે 80% ઊર્જા સપ્લાય આ જ રસ્તેથી પસાર થાય છે. આ કારણસર ભારત અહીં પોતાની સૈન્ય અને નૌકાદળની હાજરી વધારી રહ્યું છે, જે ચીન માટે ચિંતા ઉભી કરે છે.
ભારત સરકાર ગ્રેટ નિકોબાર વિસ્તારમાં ‘ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ’ અને ગલેથિયા બે પોર્ટ દ્વારા પોતાની વ્યૂહાત્મક તાકાત વધારી રહી છે. આ પ્રોજેક્ટ માત્ર એક બંદર નહીં, પરંતુ એક સશક્ત સૈન્ય અને વેપારી હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ભારત ચીનની નૌસેનાની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી શકશે અને જરૂર પડે તો તેની સપ્લાય લાઇનને અસર પણ કરી શકે છે. ચીન આ સ્થિતિને પોતાના માટે ‘મલક્કા ડિલેમા’ તરીકે જુએ છે.
બીજી તરફ, ભારત પોતાની ઊર્જા જરૂરિયાત માટે હજુ પણ હોર્મુઝની ખાડી પર નિર્ભર છે, જ્યાંથી દેશનું લગભગ 46-50% ક્રૂડ ઓઇલ આયાત થાય છે. મધ્યપૂર્વમાં વધતા તણાવને કારણે હોર્મુઝમાં જે પરિસ્થિતિ ઊભી થાય છે, તે જ પ્રકારની વ્યૂહાત્મક સ્થિતિ ભારત મલક્કા પાસે ઉભી કરી શકે છે, જે વૈશ્વિક શક્તિ સંતુલનમાં મોટો ફેરફાર લાવી શકે છે.
જો આ દરિયાઈ માર્ગમાં કોઈ અવરોધ ઊભો થાય, તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડી શકે છે. સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે વધારો થઈ શકે છે અને વૈશ્વિક મોંઘવારી વધી શકે છે. જાપાન, અમેરિકા અને યુરોપિયન દેશો સુધી માલ પહોંચાડવાનો ખર્ચ વધી શકે છે, જ્યારે વીમા પ્રીમિયમ પણ ઊંચા જઈ શકે છે.
ભારતની વ્યૂહરચના આ માર્ગને અવરોધવાની નથી, પરંતુ તેને સુરક્ષિત રાખવાની છે. ભારત હિંદ મહાસાગરમાં કોઈપણ બાહ્ય શક્તિ એકતરફી દબદબો સ્થાપિત ન કરી શકે તે સુનિશ્ચિત કરવા માંગે છે. આ રીતે મલક્કા સ્ટ્રેટ પર ભારતનું મજબૂત સ્થાન વૈશ્વિક રાજનીતિમાં દેશની ભૂમિકા વધુ મજબૂત બનાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel