ભારતીય બેડમિન્ટનના ઇતિહાસમાં એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. દેશને બેડમિન્ટનમાં પ્રથમ વખત ઓલિમ્પિક મેડલ અપાવનાર દિગ્ગજ શટલર સાઈના નેહવાલે સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે. એક પોડકાસ્ટ દરમિયાન તેણે સ્પષ્ટ કર્યું કે હવે તે ક્યારેય પ્રોફેશનલ બેડમિન્ટન કોર્ટ પર પરત ફરવાની નથી. છેલ્લા બે વર્ષથી સાઈના ગંભીર ઘૂંટણની બીમારીથી પીડાતી હતી. તેણે જણાવ્યું કે તેના ઘૂંટણની કાર્ટિલેજ સંપૂર્ણપણે ઘસાઈ ગઈ છે અને તેને આર્થરાઈટિસની સમસ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરની રમત માટે જરૂરી 8થી 9 કલાકની કઠિન ટ્રેનિંગ શક્ય રહી નથી. માત્ર 1-2 કલાકની પ્રેક્ટિસ બાદ જ તેના ઘૂંટણમાં સોજો અને અસહ્ય દુખાવો થતો હતો, જેના કારણે સ્પર્ધાત્મક રમતમાં ટકી રહેવું અશક્ય બન્યું.
સાઈનાએ પોતાની છેલ્લી સ્પર્ધાત્મક મેચ 2023માં સિંગાપોર ઓપનમાં રમી હતી અને તેણે કહ્યું કે તે વાસ્તવમાં બે વર્ષ પહેલા જ રમવાનું બંધ કરી ચૂકી હતી. તેના શબ્દોમાં, તેણે પોતાની કારકિર્દીની શરૂઆત પોતાની શરતો પર કરી હતી અને વિદાય પણ પોતાની શરતો પર જ લીધી છે, તેથી કોઈ ઔપચારિક મોટી જાહેરાત કરવાની તેને જરૂર લાગી નહોતી.
સાઈના નેહવાલની કારકિર્દી ભારતીય રમતજગત માટે પ્રેરણારૂપ રહી છે—2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી તેણે ઇતિહાસ રચ્યો, 2015માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને 2017માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો, 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતી શાનદાર વાપસી કરી અને એ જ વર્ષે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. તે વિશ્વ રેન્કિંગમાં નંબર-1 બનનાર પ્રથમ ભારતીય મહિલા શટલર પણ રહી છે.
2016 રિયો ઓલિમ્પિક દરમિયાન થયેલી ગંભીર ઇજા બાદ તેણે અસાધારણ સંઘર્ષ કર્યો, પરંતુ વારંવાર ઊભી થતી ઘૂંટણની સમસ્યાઓએ આખરે તેને રમતને અલવિદા કહેવા મજબૂર કરી દીધી. ભારત સરકારે તેની અદ્વિતીય સિદ્ધિઓ અને રમત પ્રત્યેના યોગદાન બદલ પદ્મ ભૂષણ અને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન જેવા સર્વોચ્ચ સન્માનો આપી તેને ગૌરવભેર નવાજી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel