નડિયાદ શહેરના સ્ટેશન રોડ પર સરદાર પટેલની પ્રતિમા પાસે દુકાનો નીચે વર્ષોથી બંધ રહેલા કાંસની સફાઈની કામગીરી નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. છેલ્લા 9 દિવસથી ચાલી રહેલી આ કામગીરીમાં અત્યાર સુધીમાં અંદાજે 150થી વધુ ટ્રેક્ટર જેટલો કચરો અને ગંદકી બહાર કાઢવામાં આવી છે. આ કાંસની સફાઈ થતાં આગામી ચોમાસામાં શહેરના પૂર્વ ભાગોમાં ભરાતા પાણીની સમસ્યામાં મોટી રાહત મળે તેવી શક્યતા છે.
નડિયાદના સ્ટેશન રોડ પર આવેલો આ કાંસ અંદાજે 14 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંડો છે. જે તે સમયે નગરપાલિકા દ્વારા વર્ષો પહેલાં આ કાંસ પર સરદાર શોપીંગ સેન્ટર ઊભુ કરી દુકાનો પાડવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં આ શોપિંગ સેન્ટર જર્જરિત હોવાથી તેને દુર કરવામાં આવ્યું હતું અને આ શોપિંગ સેન્ટરની નીચેથી પસાર થતો કાંસની સફાઈ કામગીરી આરંભવામાં આવી હતી. છેલ્લા 9 દિવસથી જેસીબી મશીન મારફતે ચાલતી આ કાંસ સફાઈની કામગીરીમાં અત્યાર સુધીમાં અંદાજે 150થી વધુ ટ્રેક્ટર જેટલો કચરો અને ગંદકી બહાર કાઢવામાં આવી છે.
આ કાંસ બે ભાગમાં વહેંચાયેલો છે, જે પૈકી હાલ એક ભાગની સફાઈ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 100 ફૂટ જેટલા અંતરમાં સફાઈ પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે બીજા ભાગની કામગીરી હજી બાકી છે. કાંસની સફાઈ વ્યવસ્થિત રીતે થાય તે માટે આગળથી આવતા પાણીના પ્રવાહને બ્લોક કરવામાં આવ્યો છે અને જેસીબી મશીન દ્વારા અંદર જમા થયેલો વર્ષો જૂનો કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે. આ કાંસ ઉપર દુકાનો આવેલી હોવાને કારણે વર્ષોથી તેની સફાઈ થઈ શકી નહોતી, પરંતુ હવે આ દુકાનો દૂર કરીને સફાઈ કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.
ધારાસભ્ય પંકજ દેસાઈએ કાંસ સફાઈની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડ અને ટેકનિકલ એન્જિનિયર સહિતના લોકો હાજર રહ્યા હતા. નિરીક્ષણ દરમિયાન પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, આ કાંસની સફાઈ થવાથી નડિયાદના જૂના માખણપુરા, નાના કુંભનાથ રોડ, મોટા કુંભનાથ રોડ, વીકેવી રોડ, દેસાઈ વગો અને સંતરામ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે.
વધુમાં, શહેરના ત્રણેય અન્ડરપાસ (ગરનાળા)નું પાણી પણ પૂર્વ ભાગમાં આવતું હોવાથી, આ સફાઈ બાદ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. હાલમાં આ કામગીરી હજુ પણ સતત ચાલુ રાખવામાં આવી છે. વરસાદમાં પડતી નાગરિકોને તકલીફોમાં મોટી રાહત મળી શકે એમ હોવાનું જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પૂર્વ ભાગનો આ કાંસ મુખ્ય હોવાથી 45 કરોડના ખર્ચે નવા કાંસ બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ટેન્ડર પણ નીકળી ગયું છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel