કેન્દ્ર સરકારના નાણા વર્ષ 2026-27ના બજેટમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં કરાયેલા અણધાર્યા અને તીવ્ર વધારાની જોગવાઈએ ભારતીય શેરબજારમાં ભારે નકારાત્મક પ્રતિક્રિયા જગાવી હતી. નાણા પ્રધાન નિર્મલા સીતારામણે ઉદ્યોગ વિકાસ, રોજગાર વૃદ્ધિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવા પ્રોજેક્ટ્સ સાથે વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હોવા છતાં STT વધારાની જોગવાઈને બજાર માટે ઘાતક ગણાવી ફંડો, ટ્રેડરો, ખેલંદાઓ અને મોટા રોકાણકારોએ બજેટ પર ખુલ્લી નારાજગી વ્યક્ત કરી ઓલરાઉન્ડ ભારે વેચવાલી શરૂ કરી હતી.
લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (LTCG)માં કોઈ નોંધપાત્ર રાહત ન આપવી તેમજ કેશ સેગમેન્ટમાં ડિલિવરી આધારિત ટ્રેડિંગ માટે STTમાં છૂટ ન મળતા રોકાણકાર વર્ગમાં નિરાશા ફેલાઈ હતી. પરિણામે વિશ્વાસની કટોકટી સર્જાઈ અને એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં અંદાજે રૂ.10 લાખ કરોડ જેટલું ધોવાણ થયું. બજારના બેરોમિટર ગણાતા સેન્સેક્સમાં ઇન્ટ્રાડે 80,000ની મહત્વની સપાટી તૂટી ગઈ હતી અને તે 82,726.65ના ઊંચા સ્તરેથી 2,827 પોઈન્ટ સુધી તૂટીને નીચામાં 79,899.42 સુધી ખાબક્યો, બાદમાં ભારે વોલેટિલિટી વચ્ચે અંતે 1,546.84 પોઈન્ટ ઘટીને 80,722.94 પર બંધ રહ્યો, જે છેલ્લા સાત વર્ષમાં બજેટ દિવસે નોંધાયેલો સૌથી મોટો કડાકો હતો.
એ જ રીતે NSE નો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 25,440.90ના ઉચ્ચ સ્તરેથી 869 પોઈન્ટ તૂટીને એક તબક્કે 24,571.75 સુધી પટકાયો અને અંતે 495.20 પોઈન્ટ ઘટીને 24,825.45 પર બંધ રહ્યો. બજારમાં મેટલ-માઇનિંગ, બેંકિંગ, ઓટો, FMCG, કેપિટલ ગુડ્સ અને ઓઇલ-ગેસ સહિત તમામ સેક્ટર ઇન્ડેક્સ નેગેટિવ ઝોનમાં રહ્યા અને સેન્સેક્સના તમામ 30 શેરોમાં ભારે ગાબડાં પડ્યા. બજેટ દિવસે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો (FPIs/FIIs) દ્વારા રૂ.588.34 કરોડની જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) દ્વારા રૂ.682.73 કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાઈ હતી.
પરિણામે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઇન્ટ્રાડે રૂ.11 લાખ કરોડ જેટલું ઘટી અંતે રૂ.9.41 લાખ કરોડના ઘટાડા સાથે રૂ.450.61 લાખ કરોડ પર આવી ગયું, જે STT વધારાની બજેટ જોગવાઈની બજાર પર પડેલી ગંભીર અને વ્યાપક અસર દર્શાવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom