મધ્ય પૂર્વમાં તણાવ ફરી ઉગ્ર બન્યો છે. રિપોર્ટ્સ મુજબ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી, જેના જવાબમાં ઈરાને પણ ઇઝરાયલ પર મોટો મિસાઈલ હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, ઈરાન તરફથી ઇઝરાયલ પર ઓછામાં ઓછી 70 બેલેસ્ટિક મિસાઈલો છોડવામાં આવી છે.
ઇઝરાયલી સેનાએ જણાવ્યું છે કે દેશની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય છે અને મિસાઈલ ખતરાને નિષ્ફળ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અનેક વિસ્તારોમાં સાયરન વાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ઈરાન-યમન-લેબેનોનનો સંયુક્ત હુમલો?
દાવા મુજબ ઈરાનને યમન અને લેબેનોનનો સમર્થન મળ્યો છે. યમનમાં કાર્યરત ઈરાન સમર્થિત હૂથિ સંગઠને પણ રેડ સીના મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર ફરી હુમલા શરૂ કરવાની જાહેરાત કરી છે. બે હૂથિ અધિકારીઓએ અમેરિકન સમાચાર એજન્સી Associated Press (AP)ને જણાવ્યું કે બળવાખોરોનો પહેલો હુમલો તાત્કાલિક શરૂ થઈ શકે છે.
લેબેનોનમાં ઈરાન સમર્થિત જૂથો પણ સક્રિય થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઇઝરાયલમાં ઇમરજન્સી જેવી સ્થિતિ
ઈરાન તરફથી પલટવાર શરૂ થતા જ ઇઝરાયલમાં અનેક શહેરોમાં સાયરન વાગવા લાગ્યા. સેનાએ નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર જવા સૂચના આપી છે. ઇઝરાયલના રક્ષા તંત્રએ જણાવ્યું છે કે હવાઈ હુમલાને અટકાવવા માટે એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત છે.
અમેરિકી બેઝને નિશાન બનાવ્યાનો દાવો
રિપોર્ટ્સ અનુસાર ઈરાને એક સાથે કતાર, બેહરીન, કુવૈત, UAE અને ઇઝરાયલ સહિત પાંચ દેશોમાં હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. ખાસ કરીને કતાર, બેહરીન, કુવૈત અને UAEમાં આવેલી અમેરિકી સૈન્ય બેઝને ટાર્ગેટ બનાવવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
બેહરીનમાં અમેરિકન હેડક્વાર્ટર નજીક હુમલાની માહિતી સામે આવી છે, જ્યારે કતારમાં સ્થિત US બેઝ પર પણ મિસાઈલ હુમલાના અહેવાલો છે. કેટલીક જગ્યાએ સાયરન વાગવાના અહેવાલો મળ્યા છે.
અમેરિકાએ પોતાના મધ્ય પૂર્વમાં આવેલા સૈન્ય બેઝ પર સુરક્ષા વધારી છે અને કેટલાક સ્થળોએ ખાલી કરવાની સૂચનાઓ આપવામાં આવી હોવાનું કહેવાય છે.
મધ્ય પૂર્વમાં વધતો સંઘર્ષ
તાજેતરના હુમલાઓ બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીધી અથડામણનું જોખમ વધી ગયું છે, જ્યારે અમેરિકા પણ સીધા સંઘર્ષમાં જોડાયેલું દેખાઈ રહ્યું છે.
વિશ્લેષકોના મતે, જો પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો તેનો પ્રભાવ વૈશ્વિક તેલ બજાર, આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો અને વૈશ્વિક સુરક્ષા પર પડી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel