જાપાનના રાજકીય ઇતિહાસમાં રવિવારનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. વડાપ્રધાન સનાએ તાકાઈચીના નેતૃત્વ હેઠળ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના ગઠબંધને ‘વિન્ટર સ્નેપ પોલ’માં પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન માર્ગારેટ થેચરથી પ્રેરિત ગણાતી તાકાઈચી જાપાનની પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે રાજકીય મંચ પર મજબૂત સ્થાન બનાવી રહી છે. ચૂંટણી પરિણામો દર્શાવે છે કે મતદાન પૂર્ણ થયાના માત્ર બે કલાકમાં જ LDPએ નીચલા ગૃહની કુલ 465 બેઠકોમાંથી બહુમતી માટે જરૂરી 233 બેઠકોનો આંકડો પાર કરી લીધો હતો.
LDPનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન અને જનતાનો મજબૂત જનાદેશ
રાજકીય વિશ્લેષકોના મતે, આ જીત LDP પાર્ટીના અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શનમાંથી એક માનવામાં આવી રહી છે. મધ્ય શિયાળાની ચૂંટણી યોજવાનો નિર્ણય રાજકીય રીતે જોખમી ગણાયો હતો, પરંતુ મતદાતાઓએ સનાએ તાકાઈચીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરીને ભારે બહુમતી આપી છે. 36 વર્ષ બાદ શિયાળાના મધ્યમાં યોજાયેલી આ ચૂંટણીનો મુખ્ય ઉદ્દેશ્ય નવા જનાદેશ મેળવવાનો હતો, જેમાં તેઓ સફળ રહ્યા છે.
PM મોદી અને વૈશ્વિક નેતાઓની શુભેચ્છા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સનાએ તાકાઈચીને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ જણાવ્યું કે ભારત અને જાપાન વચ્ચેની વિશેષ રણનૈતિક અને વૈશ્વિક ભાગીદારી વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તાકાઈચીના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારત-જાપાન સંબંધો નવી ઊંચાઈઓ સુધી પહોંચશે.
Congratulations Sanae Takaichi on your landmark victory in the elections to the House of Representatives!
Our Special Strategic and Global Partnership plays a vital role in enhancing…
— Narendra Modi (@narendramodi) February 8, 2026
અમેરિકાનો પ્રતિસાદ અને દ્વિપક્ષીય સંબંધોની આશા
જાપાનમાં અમેરિકાના રાજદૂત જોર્ડ એડવર્ડ ગ્લાસે પણ તાકાઈચીની જીતને વખાણી હતી અને તેમની સરકાર સાથે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ જીતને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંતુલન માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રાજકીય પડકાર વચ્ચે મોટો દાવ સફળ
સનાએ તાકાઈચીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તેઓ મધ્ય શિયાળામાં ચૂંટણી યોજશે, જેને સૌથી મોટો રાજકીય દાવ માનવામાં આવ્યો હતો. કારણ કે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી સંસદના બંને સદનમાં બહુમતી ગુમાવી ચૂકી હતી અને કોમેતો પાર્ટી સાથેનું જૂનું ગઠબંધન પણ તૂટી ગયું હતું. તેમ છતાં, આ ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીતથી હવે ફરીથી સનાએ તાકાઈચીનું મજબૂત રાજકીય નેતૃત્વ સ્થાપિત થયું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel