Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 30, 2026 Ahmedabad 32°C

ISROનો ઐતિહાસિક સિદ્ધિ: નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’ લોન્ચ

ISROનો ઐતિહાસિક સિદ્ધિ: નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ ‘બ્લૂબર્ડ બ્લોક-2’ લોન્ચ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ આજે એક વધુ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. બુધવારે સવારે 8:54 વાગ્યે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના સેકન્ડ લોન્ચ પેડ પરથી નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઈટ બ્લૂબર્ડ બ્લોક-2નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું. ISRO એ તેના સૌથી શક્તિશાળી રોકેટ LVM3ની મદદથી અમેરિકન કંપની AST SpaceMobileના આ અદ્યતન સેટેલાઈટને સફળતાપૂર્વક કક્ષામાં સ્થાપિત કર્યો. આ LVM3 રોકેટની છઠ્ઠી ઓપરેશનલ ઉડાન (LVM3-M6) હતી અને આ મિશન ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) તથા AST SpaceMobile વચ્ચે થયેલી વ્યાવસાયિક સમજૂતી અંતર્ગત હાથ ધરવામાં આવ્યું હતું.

આ મિશન સાથે સ્પેસમાંથી સીધું મોબાઈલ ઈન્ટરનેટ આપવાની દિશામાં એક મોટું પગલું ભરાયું છે. બ્લૂબર્ડ બ્લોક-2 લૉ અર્થ ઓર્બિટ (LEO)માં તૈનાત થનારો દુનિયાનો સૌથી મોટો કોમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઈટ છે, જે સામાન્ય સ્માર્ટફોનને કોઈ વિશેષ ઉપકરણ વિના સીધું હાઈ-સ્પીડ ઈન્ટરનેટ પૂરૂં પાડશે. ખાસ કરીને જ્યાં ગ્રાઉન્ડ ટાવર અથવા ફાઈબર નેટવર્ક પહોંચતું નથી એવા અંતરિયાળ વિસ્તારો, પર્વતીય પ્રદેશો અને સમુદ્રોમાં પણ મોબાઈલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાનો આ સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

બ્લૂબર્ડ બ્લોક-2 AST SpaceMobileની આગામી પેઢીની સેટેલાઈટ શ્રેણીનો ભાગ છે. તેનું વજન આશરે 6,100 થી 6,500 કિલોગ્રામ છે, જે LVM3 દ્વારા ભારતીય ધરતી પરથી લોન્ચ થયેલો અત્યાર સુધીનો સૌથી ભારે પેલોડ બને છે. તેમાં 223 ચોરસ મીટરનો વિશાળ ફેઝ્ડ એરે એન્ટેના લાગેલો છે, જેના કારણે તે LEOમાં તૈનાત થનારો સૌથી મોટો કોમર્શિયલ કમ્યુનિકેશન સેટેલાઈટ ગણાય છે. આ સેટેલાઈટ 4G અને 5G નેટવર્કને સપોર્ટ કરે છે અને પ્રતિ કવરેજ સેલ 120 Mbps સુધીની પીક ડેટા સ્પીડ પ્રદાન કરી શકે છે, જેના દ્વારા વોઈસ કોલ, વિડિયો કોલ, ટેક્સ્ટ, સ્ટ્રીમિંગ અને ડેટા સર્વિસિસ સરળતાથી શક્ય બનશે.

કંપનીએ સપ્ટેમ્બર 2024માં બ્લૂબર્ડ 1થી 5 સેટેલાઈટ્સ લોન્ચ કર્યા હતા, જે અમેરિકા અને અન્ય દેશોમાં સતત ઇન્ટરનેટ કવરેજ આપી રહ્યા છે. બ્લૂબર્ડ બ્લોક-2 તેમની તુલનામાં લગભગ 10 ગણી વધુ બેન્ડવિડ્થ ક્ષમતા ધરાવે છે અને તેને આશરે 600 કિલોમીટર ઊંચાઈવાળી લો અર્થ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. આ સેટેલાઈટ AST SpaceMobileના ગ્લોબલ કોન્સ્ટેલેશનનો ભાગ બનીને વિશ્વભરમાં 24×7 કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે.

આ મિશનમાં ઉપયોગમાં લેવાયેલું LVM3 (Launch Vehicle Mark-3), જેને અગાઉ GSLV Mk-III તરીકે ઓળખવામાં આવતું હતું, ISROનું સૌથી શક્તિશાળી સ્વદેશી રોકેટ છે. તેની ઊંચાઈ 43.5 મીટર, લિફ્ટ-ઓફ વજન 640 ટન છે અને તે ત્રણ સ્ટેજ ધરાવે છે—બે સોલિડ સ્ટ્રેપ-ઓન બૂસ્ટર (S200), લિક્વિડ કોર સ્ટેજ (L110) અને ક્રાયોજેનિક અપર સ્ટેજ (C25). LVM3 જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં 4,200 કિલોગ્રામ અને લો અર્થ ઓર્બિટમાં 8,000 કિલોગ્રામ સુધી પેલોડ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

અગાઉ LVM3 રોકેટે ચંદ્રયાન-2, ચંદ્રયાન-3 અને વનવેબના બે મિશન સહિત કુલ 72 સેટેલાઈટ્સ સફળતાપૂર્વક લોન્ચ કર્યા છે. આ તાજું મિશન ISROની વૈશ્વિક વ્યાવસાયિક વિશ્વસનીયતા અને ભારતની સ્પેસ ટેકનોલોજીમાં વધતી આગવી ભૂમિકા વધુ મજબૂત બનાવે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.