અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસે એક ચોંકાવનારા ‘લવ ટ્રેપ’ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 20 માર્ચ, 2026ના રોજ વાસણા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન એક હિંદુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, નકલી આધાર કાર્ડ બનાવી હોટલમાં લઈ જવાના ષડયંત્રમાં સામેલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સગીરાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો.
એક વર્ષથી સંપર્કમાં રહી સગીરાને ફસાવવાનો પ્રયાસ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ સગીરાની નાબાલિક વય વિશે જાણતા હોવા છતાં છેલ્લા એક વર્ષથી તેની સાથે સંપર્કમાં હતા. તેઓ સતત તેને મળવા માટે દબાણ કરતા હતા અને તેને તેના પરિવારના રક્ષણમાંથી દૂર કરીને પોતાના જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીઓએ સગીરાની અન્ય બે પિતરાઈ બહેનોને પણ આ જ રીતે ‘લવ ટ્રેપ’માં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.
નકલી આધાર કાર્ડ બનાવી ઉંમર 21 વર્ષ દર્શાવી
આ કેસમાં સૌથી ગંભીર પાસું નકલી દસ્તાવેજોની બનાવટ છે. આરોપીઓએ સગીરાને હોટલમાં લઈ જવા માટે ડુપ્લિકેટ આધાર કાર્ડ તૈયાર કરાવ્યું હતું. આ નકલી કાર્ડમાં સગીરાનું નામ બદલવામાં આવ્યું હતું અને તેની ઉંમર વધારીને 21 વર્ષ દર્શાવવામાં આવી હતી. આરોપીઓએ મોબાઇલ એપનો ઉપયોગ કરીને સગીરાના ફોટા સાથે આ નકલી દસ્તાવેજ તૈયાર કર્યો હતો, જેમાં રહેઠાણનું સરનામું ઇન્દોરનું દર્શાવવામાં આવ્યું હતું.
ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમીરાલી સકુરાલી શેખ, મોહમ્મદ સિરાજ ફકીર મહોમ્મદ સલમાની, અલ્તાફઅલી કિસ્મતઅલી અન્સારી અને અરવિંદ અજય ચૌહાણની ધરપકડ કરી છે. જેમાં અરવિંદ ચૌહાણે નકલી આધાર કાર્ડ બનાવવામાં મદદ કરી હતી. અન્ય એક આરોપી બ્રિજેશ હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.
POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયો
વાસણા પોલીસે હાલમાં 5 આરોપીઓ વિરુદ્ધ POCSO (પોક્સો) એક્ટ અને છેતરપિંડી તેમજ દસ્તાવેજોમાં ચેડાં કરવા બદલ ગુનો નોંધ્યો છે અને 4ની ધરપકડ કરી છે. આ આરોપીઓ વાસણાના ગુપ્તાનગર વિસ્તારમાં ભાડાનાં મકાનમાં રહેતા હતા. આ કેસમાં બ્રિજેશ નામનો એક અન્ય શખ્સ હજુ ફરાર છે, જેણે સગીરા અને આરોપીઓ વચ્ચે મુલાકાતો ગોઠવવામાં અને સંબંધ જાળવી રાખવા દબાણ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
અજાણ્યા ફોન કોલથી ખુલ્યો કૌભાંડ
આ સમગ્ર ઘટનાની જાણ 19 માર્ચ, 2026ના રોજ ત્યારે થઈ જ્યારે સગીરાના પિતાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે તેમની દીકરી વાસણા પોલીસ સ્ટેશનમાં છે. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો અને તપાસ દરમિયાન સમગ્ર કૌભાંડ સામે આવ્યું.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel