અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2026’નો ભવ્ય પ્રારંભ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને પૂર્વ સહકાર રાજ્યમંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃષિ અને પશુપાલન રાજ્યમંત્રી રમેશ કટારા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ વિડિયો સંદેશ દ્વારા રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી અને ‘શ્રી અન્ન’નો ઉપયોગ વધારીને તંદુરસ્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે મિલેટ્સ માત્ર ખોરાક નથી, પરંતુ તંદુરસ્ત જીવનશૈલી અને ખેડૂતોની સમૃદ્ધિનું પ્રતીક છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ‘શ્રી અન્ન’ અભિયાન દેશના નાગરિકોના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ગુજરાતમાં પણ આ અભિયાનને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. તેમણે માહિતી આપી કે રાજ્યના 17 મહાનગરોમાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેથી લોકોમાં પોષણયુક્ત આહાર પ્રત્યે જાગૃતિ વધે.
વાઘાણીએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીના પ્રયાસોથી વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું હતું, જેના કારણે બાજરી, જુવાર, રાગી, નાગલી, કાંગ અને મોરૈયા જેવા પોષક તત્ત્વોથી ભરપૂર અનાજને વૈશ્વિક ઓળખ મળી છે. તેમણે સ્વાસ્થ્ય મુદ્દે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે રાસાયણિક ખેતી અને ઝેરયુક્ત અનાજના કારણે વિવિધ રોગોમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે મિલેટ્સ ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગોથી બચાવવામાં સહાયક છે.
તેમણે જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સક્રિય છે અને હાલમાં રાજ્યમાં 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે, જ્યારે આશરે 20 લાખ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. મિલેટ્સ ઓછા પાણી અને ખાતરમાં પણ સારું ઉત્પાદન આપે છે, જે ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
મિલેટ ડેવલપમેન્ટ યોજના અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું કે વેલ્યૂ એડિશન અને પ્રોસેસિંગ યુનિટ માટે સરકાર આર્થિક સહાય પૂરી પાડી રહી છે. રાજ્યભરમાં 700થી વધુ મિલેટ સ્ટોલ્સ અને પ્રદર્શનો દ્વારા ખેડૂતોને સીધો બજાર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના પ્રયત્નોથી મિલેટ્સને માત્ર ભારતમાં નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ ઓળખ મળી છે. G20 Summit દરમિયાન પણ વિદેશી મહેમાનોને મિલેટ્સથી બનેલી વાનગીઓ પીરસવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ગયા વર્ષે પાંચ લાખથી વધુ લોકોએ મિલેટ મહોત્સવની મુલાકાત લીધી હતી અને લોકોમાં તેના ફાયદાઓ અંગે જાગૃતિ વધી છે.
વિશ્વકર્માએ મિલેટ્સના પોષણમૂલ્ય વિશે વાત કરતાં જણાવ્યું કે જુવાર, બાજરી અને રાગી જેવા જાડા અનાજ શરીરને જરૂરી પોષણ પૂરૂં પાડે છે અને ખાસ કરીને રાગી હાડકાં મજબૂત બનાવવામાં મદદરૂપ છે. તેમણે ઉમેર્યું કે આવા મહોત્સવો દ્વારા આગામી પેઢીને સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી જવાનું સરકારનું લક્ષ્ય છે, તેમજ ખેડૂતોની આવક વધારવામાં પણ આ અભિયાન મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.
કાર્યક્રમના અંતે કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, કૃષિ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આ મહોત્સવ ગુજરાતમાં પોષણ, સ્વાસ્થ્ય અને કૃષિ વિકાસને નવી દિશા આપતો મહત્વપૂર્ણ ઉપક્રમ સાબિત થઈ રહ્યો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel