ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલ વચ્ચે હવે હવાલા કાંડનો મોટો ખુલાસો થયો છે. સુરત અને ગોધરામાં હવાલા મારફતે રાજકીય ફંડિંગ થતું હોવાની શંકાને આધારે પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને ઉમરા પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હીથી હવાલા મારફતે મોટી રકમ સુરતમાં મોકલવામાં આવી રહી હતી, જેમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોના નામ સામે આવ્યા છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહેતા હિમાંશુ પાહુજાએ છેલ્લા 5-6 મહિનામાં સુરતની મહિધરપુરા સ્થિત આંગડિયા પેઢી મારફતે અંદાજે ₹1.25 કરોડથી ₹1.50 કરોડ સુધીની રકમ મોકલી હતી. આ નાણાં મેળવવા માટે પીપલોદના આકાશ મિશ્રા અને અજય તિવારી આંગડિયા પેઢી પર જતા હોવાના CCTV પુરાવા પણ પોલીસને મળ્યા છે.
આ કેસમાં હવે આવકવેરા વિભાગએ પણ ઝંપલાવ્યું છે અને આંગડિયા પેઢીના માલિક સહિત સંકળાયેલા લોકોની પૂછપરછ શરૂ કરી છે. તપાસમાં આકાશ મિશ્રા ફરાર હોવાનું સામે આવ્યું છે અને તે દિલ્હી ભાગી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોટું નેટવર્ક હોવાની શંકા
તપાસ એજન્સીઓના મતે આ માત્ર સ્થાનિક કક્ષાનો કેસ નથી, પરંતુ દેશભરમાં ફેલાયેલું એક મોટું નાણાકીય નેટવર્ક કાર્યરત હોઈ શકે છે. આકાશ મિશ્રા અગાઉ સત્યેન્દ્ર જૈન સાથે કામ કરી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે, જે તપાસને વધુ ગંભીર બનાવે છે.
પોલીસને આશંકા છે કે આ સિન્ડિકેટમાં 8થી 10 લોકો સંકળાયેલા હોઈ શકે છે અને તપાસનો રેલો આગળ જઈને મોટા નેતાઓ સુધી પહોંચી શકે છે.
મતદારોને પ્રભાવિત કરવાનો આરોપ
પ્રાથમિક તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આ ફંડનો ઉપયોગ સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ મતદારોને પૈસા વહેંચીને પ્રભાવિત કરવા માટે થવાનો હતો. ઉપરાંત ચૂંટણી સમયે અશાંતિ ફેલાવવાનો પણ પ્રયાસ થવાનો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગોધરામાં પણ કાર્યવાહી
આ કાંડ માત્ર સુરત પૂરતો સીમિત નથી રહ્યો. પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ પોલીસ દ્વારા દરોડા પાડીને ₹50 લાખથી વધુની હેરફેરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ કેસમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય વસંતાણી તેમજ કેટલાક કાર્યકર્તાઓના નામ સામે આવ્યા છે. ગોધરા એ-ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધીને રાજ્યવ્યાપી નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel