ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ ડ્રગ્સના આંતરરાજ્ય નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરતાં ઉત્તર પ્રદેશમાં ચાલતી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી લેબોરેટરીનો ભંડાફોડ કર્યો છે. આ ઑપરેશનમાં મોટી માત્રામાં તૈયાર અને અર્ધતૈયાર ડ્રગ્સ, સાથે જ પ્રતિબંધિત કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચાલુ છે.
આ સમગ્ર કેસની શરૂઆત અમદાવાદ શહેરમાંથી થયેલી નાની જપ્તીથી થઈ હતી. 1 માર્ચ 2026ના રોજ દાણીલીમડા વિસ્તારમાંથી પોલીસને 4.6 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. આ કેસમાં શફાત અહમદ ઉર્ફે ચાંદ મોહમ્મદ ઇસ્તિયાક ફારુકી, સોહિલ ઉર્ફે ભુરા મુનીરભાઈ મિર્ઝા અને ફરહાન ઉર્ફે ભુરા ફૈઝુલ્લાખાન પઠાણને ઝડપવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન ડ્રગ્સ સપ્લાયનો સ્રોત ઉત્તર પ્રદેશ હોવાનું ખુલ્યું હતું.
#WATCH | Ahmedabad, Gujarat: ATS Gujarat seizes mephedrone along with raw materials from Ambedkar Nagar district in Uttar Pradesh; two individuals arrested.
DIG ATS, Sunil Joshi says, "… Gujarat ATS is targeting cartels from peddlers to large networks. On 1st March 2026, DSP… pic.twitter.com/RVjePowAS7
— ANI (@ANI) March 18, 2026
આ મહત્વપૂર્ણ માહિતીના આધારે ગુજરાત ATSની વિશેષ ટીમ ઉત્તર પ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં પહોંચી હતી. ટીમે લગભગ 12 દિવસ સુધી સતત સર્વેલન્સ રાખીને નેટવર્કની હકીકત જાણી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને રામનગર કરાઈ ગામમાં આવેલા એક પોલ્ટ્રી ફાર્મ પર દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન ખુલ્યું કે આ પોલ્ટ્રી ફાર્મની આડમાં મેફેડ્રોન બનાવવાની ગેરકાયદેસર લેબ ચલાવવામાં આવી રહી હતી. દરોડા દરમિયાન ATSને 6 કિલો તૈયાર મેફેડ્રોન, 50 કિલો લિક્વિડ મેફેડ્રોન, 88 કિલો 2-બ્રોમો-4-મિથાઈલ પ્રોપિયોફેનોન અને અંદાજે 200 કિલો જેટલો કાચો માલ અને કેમિકલ્સ મળી આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી કપિલદેવ છેદીલાલ શર્મા અને રામશંકર ઉર્ફે પંકજ પરશુરામની ધરપકડ કરી છે. ATSના DIG સુનીલ જોશીના જણાવ્યા અનુસાર, ગુજરાત ATS નાના પેડલરથી લઈને મોટા કાર્ટેલ સુધી સમગ્ર ચેઇનને ટાર્ગેટ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે ગોમતીપુરના શફાત અહમદ ફારુકી વિશે મળેલી માહિતીના આધારે શરૂઆત થઈ હતી, જે પછી સમગ્ર નેટવર્ક બહાર આવ્યું.
હાલમાં ATS આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ડ્રગ્સ નેટવર્ક અન્ય કયા રાજ્યોમાં ફેલાયેલું છે અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે. આ કાર્યવાહી ડ્રગ્સ વિરુદ્ધ રાજ્ય અને દેશવ્યાપી અભિયાનમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel