એશિયાની સૌથી મોટી હોસ્પિટલોમાંથી એક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે લાખો દર્દીઓ સારવાર માટે આવે છે. રાજ્યભરના તેમજ દેશ-વિદેશથી આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને રહેવાની સુવિધાના અભાવે લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘણી વખત મોંઘી હોટલોમાં રોકાવું કે ફૂટપાથ પર રાત વિતાવવી જેવી પરિસ્થિતિ સર્જાતી હતી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા ખાતે ₹60 કરોડના ખર્ચે આધુનિક ‘રેનબસેરા’ બનાવવામાં આવ્યું છે. આ સુવિધા 858 બેડની ક્ષમતા ધરાવે છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારજનો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
આ રેનબસેરા ભવનમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને કુલ 8 માળ છે, જેનું કુલ બાંધકામ વિસ્તાર આશરે 24,436 ચોરસ મીટર છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 280 લોકો બેસી શકે તેવી વિશાળ કેન્ટીન, આધુનિક રસોડું, ટીવી રૂમ, રિસેપ્શન, બેંક એટીએમ અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ માટે 8 દુકાનોની સુવિધા ઉપલબ્ધ છે.
રહેઠાણ માટે સ્વચ્છ ડોર્મેટરી, પૂરતા શૌચાલય અને સામાન રાખવા માટે સુરક્ષિત લોકર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ઉપરાંત, ટ્રાફિકની સમસ્યા ટાળવા માટે બેઝમેન્ટમાં 58 ફોર-વ્હીલર અને 91 ટુ-વ્હીલર માટે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે અંદાજે 1 લાખથી વધુ દર્દીઓ દાખલ થાય છે. આ નવા રેનબસેરાથી દર્દીઓના પરિવારજનોને સુરક્ષિત અને સન્માનજનક રહેઠાણ મળશે. સાથે જ હોસ્પિટલના કોરિડોર અને ગેલેરીમાં થતી ભીડમાં ઘટાડો થશે, જેના કારણે સ્વચ્છતા જાળવવામાં પણ સરળતા રહેશે.
રાજ્ય સરકારની આ પહેલ સેવા, સંવેદના અને માનવતાના અભિગમનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે, જે આરોગ્ય ક્ષેત્રમાં સુવિધાઓના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel