આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં હિંદુ પિતા–પુત્ર પર છરીથી થયેલા હુમલાનો મામલો ચર્ચામાં આવ્યો છે, જેમાં આરોપી તરીકે મોઇનુદ્દીન સૈયદનું નામ સામે આવ્યું છે. ઘટનાને લઈને મીડિયાના કેટલાક અહેવાલોમાં આરોપીને ‘માનસિક અસ્થિર’ ગણાવવામાં આવી રહ્યો છે, જ્યારે પીડિત પરિવાર આ દાવાને નકારી કાઢી રહ્યો છે. પીડિતોનું કહેવું છે કે આરોપી સંપૂર્ણ સ્વસ્થ છે અને જાણીજોઈને એક જ સમાજને ટાર્ગેટ કરી હુમલા કરે છે. આ મામલે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. FIR મુજબ આરોપીના અબ્બુ સજ્જાદહુસૈન અકબરહુસૈન સૈયદ, ભાઈ મહંમદ સોહેબ અને અમ્મી તહેજીબનીશા વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે. ત્રણેય સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 125(A), 125(B), 352, 351(3), 54 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 લાગુ કરવામાં આવી છે.
આ ઘટના રવિવારે (21 ડિસેમ્બર) ખંભાતના પીઠ બજારમાં બની હતી. ફરિયાદી નેહાલ સંજયભાઈ રાવળની ‘ચામુંડા જનરલ સ્ટોર’ નામની દુકાન છે. FIR મુજબ, નેહાલ અને તેમના પિતા સંજયભાઈ દુકાન પર બેઠા હતા ત્યારે આરોપી મોઇનુદ્દીન હાથમાં છરો લઈને આવ્યો અને ગાળો આપવા લાગ્યો. ફરિયાદમાં એવો આરોપ છે કે હુમલા સમયે તેણે પોતાના અબ્બુના કહેવા પર હુમલો કરવાની વાત કરી હતી. પ્રથમ પ્રયાસમાં ઈજા ટળી ગઈ, પરંતુ બીજી વખતના હુમલામાં સંજયભાઈના ડાબા હાથમાં છરાનો ઘા લાગ્યો હતો. આસપાસના લોકોએ હસ્તક્ષેપ કરતાં આરોપીને કાબૂમાં લઈ તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો.
પીડિત પરિવારનો વધુ આરોપ છે કે આ પછી આરોપીના પરિવારજનો દ્વારા પોલીસ સામે જ ધમકી આપવામાં આવી હતી. નેહાલ રાવળે જણાવ્યું કે પોલીસ સ્ટેશનમાં ચર્ચા દરમિયાન આરોપીના અબ્બુએ “થાય તે કરી લો” અને ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી—જેનો ઉલ્લેખ FIRમાં પણ હોવાનું કહેવામાં આવે છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે આરોપીએ અગાઉ પણ વિસ્તારમાં રહેતા કેટલાક લોકો પર હુમલા કર્યા હતા અને તે વારંવાર એક જ સમાજના લોકોને નિશાન બનાવતો રહ્યો છે.
આ સમગ્ર ઘટનામાં ‘માનસિક અસ્થિરતા’ના મુદ્દે વિવાદ ઊભો થયો છે. પીડિત પરિવારનું કહેવું છે કે જો આરોપી અસ્થિર હોત તો તે તમામ લોકો પર હુમલો કરતો, પરંતુ તેના દાવા મુજબ આરોપી પસંદગીપૂર્વક જ હુમલા કરતો આવ્યો છે. પોલીસે હાલ આરોપીની માનસિક સ્થિતિ સંબંધિત દસ્તાવેજોની તપાસ શરૂ કરી હોવાનું જણાવાયું છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel