કેન્દ્ર સરકારે પસાર કરેલા વક્ફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસક ઘટનાઓ દરમિયાન હિંદુ પિતા-પુત્રની કરાયેલ નિર્મમ હત્યાના મામલે ટ્રાયલ કોર્ટે 13 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં સોમવારે (22 ડિસેમ્બર) ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો, જ્યારે દોષિતોને સજા મંગળવારે (23 ડિસેમ્બર) સંભળાવવામાં આવશે.
આ ઘટના એપ્રિલ 2025ની છે, જ્યારે વક્ફ કાયદાના વિરોધના બહાને યોજાયેલા પ્રદર્શનો દરમિયાન મુર્શિદાબાદમાં હરગોવિંદ દાસ (ઉંમર 72 વર્ષ) અને તેમના પુત્ર ચંદન દાસ (ઉંમર 40 વર્ષ)ને તેમના ઘરેથી બહાર ખેંચી કાઢીને ટોળાએ માર મારીને હત્યા કરી હતી. આ કેસે રાજ્યભરમાં ભારે આક્રોશ ફેલાવ્યો હતો.
કોર્ટે હત્યાના ગુનામાં જેમને દોષિત ઠેરવ્યા છે, તેમાં દિલદાર નાદાબ, આસામૂલ નાદાબ, ઇન્ઝામુલ હક, ઝિયાઉલ હક, ફકીરુલ શેખ, અઝફરુલ શેખ, મુનીરુલ શેખ, ઇકબાલ શેખ, નુરુલ શેખ, સબા કરીમ, હઝરત શેખ, અકબર અલી અને યુસુફ શેખનો સમાવેશ થાય છે. પબ્લિક પ્રોસિક્યુટર અનુસાર, આરોપીઓ જે કલમો હેઠળ દોષિત ઠેરવાયા છે, તેમાંમાંથી બે કલમોમાં મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે.
દાસ પરિવારે કોર્ટ સમક્ષ દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માગણી કરી છે. આ કેસમાં જિલ્લા સેશન્સ કોર્ટે છ મહિનાની અંદર ચુકાદો આપ્યો છે. તપાસ માટે DIG મુર્શિદાબાદની આગેવાની હેઠળ 25 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) રચવામાં આવી હતી, જેણે 983 પાનાંની વિગતવાર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.
ચાર્જશીટ મુજબ, સુરક્ષાબળોએ સ્થાનિક મસ્જીદ પાસે ગોળીબાર કર્યો હોવાની ખોટી અફવા ફેલાવવામાં આવી હતી, જેના કારણે ટોળાંને ઉશ્કેરવામાં આવ્યા અને ત્યારબાદ ઘરો તથા દુકાનો સળગાવવાની ઘટનાઓ બની. આ હિંસા દરમિયાન દાસ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક પાડોશીઓ પણ સામેલ હતા.
આ વચ્ચે પીડિત પરિવાર પહેલેથી જ કોલકાતા હાઇકોર્ટમાં અરજી કરીને આ મામલે CBI તપાસની માગ કરી ચૂકી છે, જે અંગે કોર્ટમાં સુનાવણી ચાલુ છે. પરિવારનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટે દોષિતોને શું સજા આપે છે તે જોયા બાદ તેઓ આગળની કાનૂની કાર્યવાહી અંગે નિર્ણય લેશે. પરિવારનો આગ્રહ છે કે માત્ર હુમલાખોરો જ નહીં, પરંતુ આ હત્યાનું આયોજન કરનાર અને ટોળાંને ઉશ્કેરનાર કાવતરાખોરોને પણ પકડીને કડક સજા થવી જોઈએ, જેથી સાચો ન્યાય મળી શકે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel