આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 35 વર્ષીય નેવી ટેકનિશિયનને 29 વર્ષીય યુવતીની હત્યા કરવા બદલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ હત્યા બાદ મૃતદેહના ટુકડા કરીને પોતાના ઘરે ફ્રિજમાં રાખ્યા હોવાની માહિતી સામે આવી છે.
પોલીસ મુજબ, મૃતક યુવતીની ઓળખ મોનિકા તરીકે થઈ છે, જ્યારે આરોપીનું નામ રવીન્દ્ર છે, જે નેવીમાં ટેકનિશિયન તરીકે કાર્યરત છે. પ્રાથમિક તપાસમાં બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનો ખુલાસો થયો છે.
માહિતી મુજબ, રવીન્દ્ર પહેલેથી જ પરણિત હતો અને મોનિકા સાથે તેના સંબંધો ચાલી રહ્યા હતા. ઘટનાના દિવસે રવીન્દ્રના ઘરે તેની પત્ની હાજર નહોતી, જેના કારણે તે એકલો હતો. આ દરમિયાન મોનિકા તેના ઘરે આવી હતી અને બંને વચ્ચે કોઈ મુદ્દે તીવ્ર ઝઘડો થયો હતો.
ઝઘડાના ઉશ્કેરાટમાં આવીને રવીન્દ્રે મોનિકાની ચાકૂ મારીને હત્યા કરી દીધી હતી. બાદમાં પુરાવા છુપાવવા માટે તેણે મૃતદેહના ટુકડા કર્યા હતા. કેટલાક ટુકડા બેગમાં ભરી બહાર ફેંકી દીધા હતા, જ્યારે કેટલાક પોતાના ઘરના ફ્રિજમાં રાખ્યા હતા.
ઘટના બાદ રવીન્દ્ર સીધો પોલીસ મથકે પહોંચ્યો અને ગુનો કબૂલ કરીને સરેન્ડર કરી દીધું હતું. પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને ઘરમાંથી કેટલાક માનવ અવશેષો પણ મળ્યા છે, જ્યારે બાકીના ટુકડાઓની શોધખોળ માટે અલગ ટીમ બનાવી તપાસ ચાલુ રાખવામાં આવી છે.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે મોનિકાએ તેની પાસેથી લગભગ ₹3.5 લાખ રૂપિયા લીધા હતા અને વારંવાર તેની પત્નીને તેમના સંબંધ વિશે જણાવવાની ધમકી આપતી હતી. આ કારણોસર બંને વચ્ચે વારંવાર વિવાદ થતો હતો, જે અંતે હત્યામાં પરિવર્તિત થયો.
પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના વિસ્તારમાં ભારે ચકચાર મચાવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel