ગુજરાતમાં વધતું વાયુ પ્રદૂષણ હવે ગંભીર ચિંતા રૂપ બની રહ્યું છે, કારણ કે કેટલાક શહેરોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300ને પાર પહોંચી ગયો છે, જે ‘ખૂબ નરસો’ સ્તર ગણાય છે. રાજકોટ શહેરમાં AQI વધતા મહાનગર પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. બેઠક બાદ અધિકારીઓએ જણાવ્યું કે શિયાળાની ઋતુ દરમિયાન હવામાં પ્રદૂષણ સ્વાભાવિક રીતે વધે છે, કારણ કે ઠંડી હવા પ્રદૂષણના કણોને જમીન નજીક રોકી રાખે છે.
આ સિવાય શહેરમાં ચાલી રહેલા બાંધકામ કાર્યો અને ખુલ્લી જમીન પરનું ડસ્ટ પણ પ્રદૂષણ વધારવામાં મુખ્ય ફાળો આપી રહ્યું છે. હવાના ધોરણોમાં ઝડપથી બગાડ થતાં તંત્ર મોડું જાગ્યું હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. હવે અધિકારીઓએ શહેરમાં વૃક્ષોની સંખ્યા વધારવા અને હાલના વૃક્ષોના આરોગ્ય માટે જિયો-ટેગિંગ કરવાના પગલાં લેવાનું નક્કી કર્યું છે, જેથી વૃક્ષોનું યોગ્ય સંરક્ષણ અને ગણતરી સંભવ બને. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોર્નિંગ વોકમાં નીકળતા નાગરિકોએ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.
શહેરના રામાપીર અને માધાપર ચોકડી વિસ્તારને પ્રદૂષણના હોટસ્પોટ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જ્યાં ખાસ કરીને સવારના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધુ જોવા મળે છે, જ્યારે બપોરે થોડો ઘટાડો થાય છે. સતત બગડતી હવાની ગુણવત્તા સામે તંત્ર હવે સક્રિય બન્યું છે અને શહેરમાં હાલ કેટલા વૃક્ષો છે અને વધારાની કેટલી જરૂરીયાત છે – તેની ચર્ચા કરીને હવે વધુ પ્રતિકારક પગલાં લેવાની તૈયારી દર્શાવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel