પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હાલમાં અત્યંત નાજુક છે અને હવે તેને કોઈપણ રીતે છુપાવી શકાતું નથી. દેશ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને વિશ્વ જાણે છે કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા આ દેશની આર્થિક સ્થિતિ અન્ય દેશોના દેવા પર ભારે નિર્ભર બની ગઈ છે. ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના ટોચના એક્સપોર્ટર્સને સંબોધિત કરતાં વડા પ્રધાન શાહબાઝ શરીફે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે, આ વિકટ આર્થિક પરિસ્થિતિને કારણે તેમને અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને ‘મિત્ર રાષ્ટ્રો’ પાસે મદદ માટે ભીખ માગવી પડી. તેઓએ જણાવ્યુ કે, ભીખ માગવામાં તેમને શરમ લાગી, પરંતુ આર્થિક સંકટ એટલો ગંભીર હતો કે વારંવાર વિદેશ પ્રવાસો કરીને લોન મેળવવી પડતી.
શાહબાઝ શરીફે વધુમાં જણાવ્યું કે IMF કાર્યક્રમ બચાવવા અને બાહ્ય દેવાના ખાડાને ભરવા માટે તેઓ અનેક દેશો પાસે ગયા અને માથું ઝુકાવીને મદદની વિનંતી કરી. તેમણે એ પણ સ્વીકાર્યું કે ઘણી વખત લોનની શરતો “અયોગ્ય” અને કઠોર હોય છે, જેને કારણે પાકિસ્તાનને પોતાના આત્મસન્માન સાથે સમાધાન કરવું પડ્યું. તેમણે ભાવુક સ્વરે કહ્યું કે, “હું કેવી રીતે જણાવું કે અમે કયા-કયા મિત્ર રાષ્ટ્રો પાસે જઈને લોન માટે વિનંતી કરી, જે દેશોએ ક્યારેય નિરાશ ન કર્યા, પરંતુ લોન લેવા માટે જવાનું હંમેશા માથું ઝુકાવવું પડે છે.”
વધારે સ્પષ્ટતા કરતા શાહબાઝે કહ્યું કે, જ્યારે કોઈ દેશ આર્થિક મદદ માગે છે, તો તેણે પોતાના આત્મસન્માન સાથે સમજોતો કરવો પડે અને લોન આપનારા દેશોની એવી શરતો સ્વીકારવી પડે, જેનો બેઝ ઉઠાવવો અશક્ય હોય. આ સ્વીકાર એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે અને પરંપરાગત સાથી દેશો પણ હવે માત્ર મદદ જ નહીં પરંતુ વેપાર, રોકાણ અને નવીનતા આધારિત ભાગીદારીની અપેક્ષા રાખી રહ્યા છે.
પાકિસ્તાનના વડા પ્રધાન અગાઉ પણ આવી વાતો કહી ચૂક્યા છે કે, તેઓ દુનિયામાં ભીખનો કટોરો લઈને ફરવા નથી માંગતા, પરંતુ આ વખતે તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે દેશ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે તે અત્યંત શરમજનક અને અસ્વસ્થતાપૂર્ણ છે. પાકિસ્તાન માત્ર IMF અને વર્લ્ડ બેન્કને દેવું રાખતું નથી, પરંતુ ચીન અને સાઉદી અરેબિયાના મોટા દેવાના તળીયે પણ દબાયેલું છે. ડિસેમ્બર 2025 સુધીમાં પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું આશરે 52.366 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું છે, જે દેશની આર્થિક સ્થિરતા અને ભાવિ નીતિ માટે ગંભીર પડકાર ઉભો કરે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel