જમ્મુ-કાશ્મીરમાં ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને ભારતીય સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યા છે. નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ (IB) નજીક પાકિસ્તાની ડ્રોન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસોને ભારતીય સેનાએ સતર્કતા દાખવીને સમયસર અટકાવી દીધા છે. રવિવાર, 11 જાન્યુઆરીની સાંજે સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લાઓના અનેક સરહદી વિસ્તારોમાં સંદિગ્ધ ડ્રોન પ્રવૃત્તિ જોવા મળતા સમગ્ર વિસ્તારમાં તરત જ હાઇ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
મીડિયા અહેવાલો અનુસાર, નૌશેરા–રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની સેનાના અનેક ડ્રોન ભારતીય સરહદ તરફ આગળ વધતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિને ગંભીરતા પૂર્વક લેતાં ભારતીય સેનાના જવાનોએ તાત્કાલિક કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ (C-UAS) હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. સેનાની આ સક્રિય કાર્યવાહીના કારણે ડ્રોન થોડો સમય ભારતીય વિસ્તારમાં મંડરાવ્યા બાદ પાકિસ્તાન તરફ પરત ફર્યા હતા.
A few Pakistan Army drones were sighted along the line of control in the Naushera-Rajouri sector of Jammu and Kashmir. The Indian Army troops undertook counter-unmanned aerial systems measures, forcing them to return: Defence Sources pic.twitter.com/yxsrOygfCD
— ANI (@ANI) January 11, 2026
અધિકારીઓએ જણાવ્યું કે રવિવારની સાંજે આશરે 6.35 વાગ્યે રાજૌરી જિલ્લાના ગનિયા–કલસિયાં ગામ ઉપર ડ્રોનની હિલચાલ નોંધાતા સેનાએ મધ્યમ તથા હળવી મશીનગનથી ફાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત ટેરિયાથ વિસ્તારના ખબ્બર ગામ, કલાકોટના ધર્મસાલ ગામ અને આગળ ભરાખ તરફ પણ ડ્રોનની ગતિવિધિ જોવા મળી હતી. ડ્રોનમાં બ્લિંકિંગ લાઇટ જોવા મળતા તેની ઓળખ અને ટ્રેકિંગ કરવી સરળ બની હતી.
ડ્રોન દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઑપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આ તમામ ડ્રોન પાકિસ્તાન તરફથી સંચાલિત હતાં અને ભારતીય સેનાની સતર્કતા અને ઝડપી કાર્યવાહી કારણે કોઈપણ પ્રકારનું નુકસાન કે કાવતરું શક્ય બન્યું નથી.
નોંધનીય છે કે આ પહેલા શુક્રવારની રાત્રે સાંબા જિલ્લાના ઘગવાલ વિસ્તારના પાલોરા ગામમાંથી એક પાકિસ્તાની ડ્રોન દ્વારા પાડવામાં આવેલી હથિયારોની ખેપ પણ ઝડપાઈ હતી. આ ખેપમાં બે પિસ્તોલ, ત્રણ મેગેઝિન, 16 કારતૂસ અને એક ગ્રેનેડ સામેલ હતાં, જેનાથી પાકિસ્તાન દ્વારા આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની મન્સા સ્પષ્ટ થાય છે.
સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે પાકિસ્તાન સતત ડ્રોન મારફતે જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારતીય સુરક્ષાદળો તેની દરેક નાપાક ચાલને મજબૂત અને અસરકારક જવાબ આપી રહ્યા છે. હાલ સમગ્ર જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં દેખરેખ, પેટ્રોલિંગ અને ટેકનિકલ મોનિટરિંગ વધુ કડક કરી દેવામાં આવ્યું છે, જેથી કોઈપણ ઘૂસણખોરીના પ્રયાસને શરૂઆતમાં જ નિષ્ફળ બનાવી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel