આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવાની વધતી જતી પ્રવૃત્તિને લઈને સુપ્રીમ કોર્ટ એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે હવે મોબાઈલ ધરાવતો દરેક વ્યક્તિ પોતે જ મીડિયા બની ગયો છે, જે આરોપીઓની નિષ્પક્ષ સુનાવણી (Fair Trial) માટે મોટો ખતરો બની રહ્યો છે.
અકસ્માતમાં મદદ કરતાં ‘કન્ટેન્ટ’ બનાવવાની વૃત્તિ પર ટીકા
બેન્ચમાં જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલી પણ સામેલ હતા. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું કે જ્યારે રસ્તા પર અકસ્માત થાય છે અથવા કોઈ વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં હોય છે, ત્યારે લોકો મદદ કરવા કરતાં મોબાઈલથી વીડિયો બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે. કોર્ટે આ વૃત્તિને “સંક્રામક રોગ” જેવી ગણાવી.
પોલીસ અને સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ
જનહિત અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પોલીસ ધરપકડ કરાયેલા આરોપીઓના ફોટા અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરે છે. આથી લોકોના મનમાં આરોપીઓ વિરુદ્ધ પૂર્વગ્રહ ઉભો થાય છે. પરિણામે, જ્યારે પુરાવાના અભાવે આરોપી નિર્દોષ સાબિત થાય છે, ત્યારે ન્યાયતંત્રની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થાય છે.
જસ્ટિસ બાગચીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોલીસએ બ્રીફિંગ દરમિયાન આરોપીઓ સામે પૂર્વગ્રહ ઊભો ન કરવો જોઈએ. તેમણે ઉમેર્યું કે ટીવી ચેનલો થોડુંક સંયમ રાખે છે, પરંતુ “એટોમાઇઝ્ડ સોશિયલ મીડિયા” મોટી સમસ્યા બની ગયું છે.
સોલિસિટર જનરલની કડક ટિપ્પણી
સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ સોશિયલ મીડિયા પર ચાલતા કેટલાક પેજ અને ચેનલોને “બ્લેકમેલર્સ” ગણાવ્યા. તેમણે જણાવ્યું કે આવા પ્લેટફોર્મ્સ નફા માટે સંવેદનશીલ મુદ્દાઓનો દુરુપયોગ કરે છે.
ચીફ જસ્ટિસે પણ નોંધ્યું કે નાના શહેરો અને ગામડાઓમાં કેટલાક લોકો પોતાને પત્રકાર તરીકે રજૂ કરવા માટે ખોટા ઓળખપત્રોનો ઉપયોગ કરે છે અને વાહનો પર ભ્રામક લખાણો લગાવે છે.
SOP બનાવવા માટે 3 મહિનાનો સમય
કોર્ટે તમામ રાજ્યોને તપાસની પારદર્શિતા અને આરોપીઓના અધિકારો વચ્ચે સંતુલન જાળવવા માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (SOP) તૈયાર કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે. સાથે જ અરજદારને એપ્રિલ બાદ વધુ વ્યાપક મુદ્દાઓ સાથે અરજી ફરીથી દાખલ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી આ મુદ્દે વ્યાપક માર્ગદર્શિકા તૈયાર કરી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel