16 ડિસેમ્બરની સાંજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇથોપિયાના પ્રધાનમંત્રી ડૉ. આબી અહેમદ અલી દ્વારા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘નિશાન ઑફ ઇથોપિયા’થી સન્માનિત કરવામાં આવ્યા, જે ભારત-ઇથોપિયા સંબંધોના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે.
આ સન્માન સાથે વડા પ્રધાન મોદી 28 દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનારા નેતાઓમાં સામેલ થયા છે, તેમજ ‘નિશાન ઑફ ઇથોપિયા’ મેળવનાર પ્રથમ વિદેશી વડા અથવા સરકારના વડા બન્યા છે. આ એવોર્ડ ભારત અને ઇથોપિયા વચ્ચેના લાંબા સમયથી ચાલતા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધોની ઓળખ છે, તેમજ વૈશ્વિક સ્તરે વડા પ્રધાન મોદીના નેતૃત્વ અને બંને દેશો વચ્ચેની મિત્રતા તથા સહકારને નવી ઊંચાઈ આપવાના તેમના યોગદાનનું પ્રતિબિંબ છે.
આ સન્માન પ્રાપ્ત થયા બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઇથોપિયાની પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃતિ ધરાવતી ધરતી દ્વારા સન્માનિત થવું તેમના માટે ગર્વની વાત છે અને આ સન્માન એકલા તેમનું નહીં પરંતુ વર્ષોથી ભારત-ઇથોપિયા ભાગીદારીને મજબૂત બનાવનાર અસંખ્ય ભારતીયોનું છે.
Grateful to the people and Government of Ethiopia as well as Prime Minister Abiy Ahmed Ali for conferring upon me the ‘Great Honour Nishan of Ethiopia’ last evening. To be honoured by one of the world’s most ancient and rich civilisations is a matter of immense pride. This honour… pic.twitter.com/MWrdGwVFcI
— Narendra Modi (@narendramodi) December 17, 2025
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બદલાતા વૈશ્વિક પડકારો અને નવી તકોના સમયમાં ઇથોપિયા સાથે સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ભારત સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ‘નિશાન ઑફ ઇથોપિયા’ એ ઇથોપિયા દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે, જે દેશ અને તેના લોકો માટે અસાધારણ સેવા આપનાર અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે ઇથોપિયાના સંબંધોને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે.
ભારત અને ઇથોપિયા વચ્ચેના સંબંધો પ્રાચીન કાળથી મજબૂત રહ્યા છે અને આજે પણ શિક્ષણ, વેપાર, રોકાણ, સંરક્ષણ અને વિકાસ જેવા અનેક ક્ષેત્રોમાં સહકાર સતત વિસ્તરી રહ્યો છે. ભારતીય સમુદાય ઇથોપિયાના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે, અને વડા પ્રધાન મોદીને મળેલા આ સન્માનથી બંને દેશો વચ્ચેના રાજદ્વારી, વ્યૂહાત્મક તેમજ પીપલ-ટુ-પીપલ સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel