અમદાવાદમાં શાળાઓને લઈને ફરી એકવાર બોમ્બ ધમકીનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેના કારણે શહેરના શિક્ષણ તંત્રમાં અને વાલીઓમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. આજે સવારે અંદાજે 8:33 વાગ્યે અમદાવાદની ઝેબર સ્કૂલ (થલતેજ), મહારાજા અગ્રસેન સ્કૂલ (ગુરુકુળ રોડ), DAV ઈન્ટરનેશનલ (મકરબા), ઝાયડસ સ્કૂલ (વેજલપુર), નિર્માણ સ્કૂલ (વસ્ત્રાપુર), CBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ (અડાલજ), આવિષ્કાર સ્કૂલ (કલોલ) અને જેમ્સ એન્ડ જેમિસન સ્કૂલ (ખોરજ-ખોડિયાર) સહિત કુલ આઠ શાળાઓને એકસાથે બોમ્બ મૂક્યાની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો. ઈમેલના વિષયમાં જ બોમ્બ બ્લાસ્ટની ચેતવણી લખેલી હતી અને તેમાં બપોરે 1:11 વાગ્યે સ્કૂલોમાં વિસ્ફોટ થવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ ધમકીભર્યા સંદેશમાં ઉશ્કેરણીજનક રાજકીય ભાષા સાથે અમદાવાદની સ્કૂલો ઉપરાંત સાબરમતી જેલને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈના નામ પણ ટારગેટ તરીકે ઉછાળવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સાયબર ક્રાઈમ વિભાગે ઈમેલ વિદેશી IP એડ્રેસ પરથી મોકલાયો હોવાનું શોધ્યું છે. ઈમેલ મળતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી, ત્યારબાદ સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક તમામ શાળાઓમાં પહોંચી ગઈ હતી.
સાવચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને તરત જ વર્ગખંડોમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા અને સ્કૂલ કેમ્પસ ખાલી કરાવવામાં આવ્યો. હાલ બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન તપાસ ચાલી રહી છે, જ્યારે પોલીસ ઈમેલ મોકલનાર કોણ છે અને તે ક્યાંથી મોકલાયો છે તેની તપાસમાં લાગી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં વાલીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો અને ઘણા વાલીઓ તાત્કાલિક સ્કૂલો પર પહોંચી ગયા હતા. નોંધનીય છે કે અગાઉ પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક બોમ્બ થ્રેટ ઈમેલ મળ્યા હોવાના બનાવો સામે આવી ચૂક્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel