છોટાઉદેપુરમાં એક કથિત ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર પરેશ રાઠવાની ધરપકડ એ પછી કરવામાં આવી છે, જ્યારે તેણે સોશિયલ મીડિયા પર ખૂંખાર નક્સલી માડવી હિડમાનું મહિમામંડન કરતી રીલ શેર કરી હતી. હિડમા જે છત્તીસગઢના જંગલોમાં અનેક નક્સલી હુમલાઓના સૂત્રધાર તરીકે જાણીતો હતો અને CRPFના 76 જવાનોનાં હત્યાકાંડ સહિત 26થી વધુ હુમલાઓમાં સામેલ રહ્યો હતો, તેને તાજેતરમાં સુરક્ષાબળોએ એનકાઉન્ટરમાં ઠાર કર્યો હતો. તેમ છતાં રાઠવાએ સોશિયલ મીડિયા પર હિડમાને ‘આદિવાસી રક્ષક’, ‘જળ-જમીન-જંગલના રક્ષક’ અને ‘ક્રાંતિકારી’ તરીકે રજૂ કરતા વિડિઓ પોસ્ટ કર્યા હતા.
આ વિડિઓમાં રાઠવાએ દાવો કર્યો કે નક્સલીઓ આદિવાસી સંસ્કૃતિ બચાવવા લડે છે, જ્યારે સરકાર તેમને ‘દેશવિરોધી’ ઠેરવીને મારી નાખે છે. તેણે દિલ્હીમાં હિડમાના સમર્થનમાં નારા લગાવનારી રવજોત કૌર અને અન્ય લેફ્ટ-લિબરલ્સની પણ તરફેણ કરી હતી. પોસ્ટમાં હિડમાને ‘દેશપ્રેમી’, ‘સમાજપ્રેમી’ અને ‘સંસ્કૃતિપ્રેમી’ કહેતાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી વિસ્તારમાં તણાવનું વાતાવરણ ઊભું થવાની શક્યતા વધી હતી.
પોલીસે આ પોસ્ટને જાહેર શાંતિ ભંગ કરતી સામગ્રી ગણાવી અને પરેશ રાઠવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 152, 192, 196(1)(a), 196(1)(b) અને 196(1)(d) હેઠળ ગુનો નોંધ્યો. મામલો છોટાઉદેપુર સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG)ને સોંપવામાં આવ્યો. SOGએ રાઠવાની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર નજર રાખી, પુરાવા એકત્ર કરીને તેની ધરપકડ કરી.
રાઠવાની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફોલોઇંગ છે અને તેના પ્રોફાઇલ મુજબ તે B.Sc, B.Ed, M.Sc અને DMLT સુધીનું અભ્યાસ કરી ચૂક્યો છે તેમજ હાલ LLB અભ્યાસ સાથે ‘જોહાર ચા’ બ્રાન્ડ ચલાવે છે. પોલીસ હાલ આગળની કાર્યવાહી કરી રહી છે અને લોકોને ઉશ્કેરણીજનક અથવા ભ્રામક સામગ્રી સોશિયલ મીડિયા પર ન મૂકવા ચેતવણી આપી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel