અમદાવાદના સાણંદ ખાતે આવેલા ‘ગ્લેડ વન રિસોર્ટ’માં ગઈકાલે રાતે દારૂની મહેફિલની બાતમીના આધારે મોટી પોલીસ કાર્યવાહી કરવામાં આવી, જેને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, આ રિસોર્ટમાં રાત્રિના સમયે એક ભવ્ય જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા પ્રતિક સંઘવીના જન્મદિનના પ્રસંગે યોજાઈ હતી.
પોલીસને બાતમી મળી હતી કે સાણંદથી આશરે 8-9 કિ.મી. દૂર આવેલા આ રિસોર્ટમાં 100 જેટલા યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે તરત જ કાર્યવાહી કરતાં મોડી રાતે સાણંદ, બોપલ, ચાંદોગર અને અસલાલી પોલીસ સ્ટેશનોની સંયુક્ત ટીમને રિસોર્ટ પર ત્રાટકાવી. દરોડા દરમિયાન અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને ઘણા લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ આવ્યા હતા.
પોલીસે આ દરમિયાન તમામ શખ્સોના બ્રીથ એનાલાઇઝર ટેસ્ટ કર્યા હતા. જેમાં 13 પુરુષો અને 26 મહિલાઓના પરિણામ શંકાસ્પદ આવેલા હતા. આ 39 લોકોના વધુ મેડિકલ ટેસ્ટ કરવા માટે પોલીસે અટકાયતમાં લઇ તેમના બ્લડ સેમ્પલ લેતા લેબમાં મોકલ્યા છે. જ્યારે 26 યુવતીઓને માત્ર નોટિસ આપીને છોડી મૂકવામાં આવી હતી.
પાર્ટી દરમિયાન વિદેશી દારૂની બોટલો અને અન્ય સામગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે. રિસોર્ટમાંથી ઝડપાયેલા વ્યક્તિઓમાં અનેક હાઇપ્રોફાઇલ લોકો હોવાની પણ માહિતી સામે આવી છે, જે રાજકારણ, વ્યવસાય અને મનોરંજન જગતથી સંકળાયેલા હોવાનું કહેવાય છે.
આ ઘટનાથી રાજ્યની દારૂબંધીની વ્યવસ્થા, તેના અમલ અને હાઇપ્રોફાઇલ પાર્ટીઓ પર નિયંત્રણ અંગે ફરી એક વખત સવાલ ઊભા થયા છે. પોલીસ હવે રિસોર્ટના માલિક, પાર્ટી આયોજક અને હાજર રહેલા દરેક શખ્સ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી રહી છે. રિપોર્ટના આધારે વધુ ધરપકડો થવાની પણ શક્યતા છે.