પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના શહેરી વિસ્તારોમાં જનસુખાકારી વધારતા અનેક મહત્વપૂર્ણ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ મુલાકાત રાજ્યના શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ‘શહેરી વર્ષ’ની શરૂઆત કરી હતી. હવે બે દાયકાઓ પૂર્ણ થતા ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવામાં આવ્યું છે, જેના પરિણામે રાજ્યના શહેરોમાં આધુનિક વિકાસને નવી ગતિ મળી છે.
શહેરી માળખાકીય સુવિધાઓમાં મોટો સુધારો
છેલ્લા 20 વર્ષોમાં ગુજરાતના શહેરોમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણી અને ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. ‘ઇઝ ઓફ લિવિંગ’ના વિઝન સાથે ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા શહેરોના આયોજનબદ્ધ વિકાસને પ્રોત્સાહન મળ્યું છે.
કનેક્ટિવિટીનો નવો અધ્યાય: મેટ્રો, બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ-વે
રેલવે ક્ષેત્રમાં અમદાવાદ મેટ્રો ફેઝ-2 પૂર્ણ થયા બાદ હવે સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર અપાયો છે. સાથે જ દેશનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપથી આગળ વધી રહ્યો છે.
રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુદર્શન સેતુ બાદ હવે 430 કિમી લાંબો ‘નમોશક્તિ એક્સપ્રેસ-વે’ અને 680 કિમી લાંબો ‘સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વે’ રાજ્યની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે.
એર કનેક્ટિવિટીમાં હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ (રાજકોટ) અને સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસથી રાજ્યને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે.
AMRUT 2.0 અને સ્માર્ટ સિટી મિશનથી શહેરો હાઈટેક
AMRUT 2.0 યોજના હેઠળ શહેરોમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા માટે ₹1200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ અમલમાં છે. સાથે જ સ્માર્ટ સિટી મિશન હેઠળ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદમાં ₹11,507 કરોડના 359 પ્રોજેક્ટ્સ દ્વારા શહેરોને આધુનિક બનાવવામાં આવ્યા છે.
આવાસ અને વહીવટી સુધારણા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં 9.19 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ થયું છે, જ્યારે PMAY 2.0 હેઠળ વધુ 1 લાખ નવા ઘરોને મંજૂરી આપવામાં આવી છે. વહીવટી સુવિધા માટે નડિયાદ, મોરબી અને મહેસાણા સહિત કુલ 9 નવી મહાનગરપાલિકાઓ જાહેર થતા હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ કાર્યરત છે.
ફ્યુચર રેડી ગુજરાત: બજેટ અને ગ્લોબલ વિઝન
વર્ષ 2026-27 માટે રાજ્ય સરકારે શહેરી વિકાસ વિભાગને ₹33,504 કરોડનું બજેટ ફાળવ્યું છે. ખાસ કરીને અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે ₹1,278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત ગુજરાતના શહેરી વિકાસ અને આર્થિક પ્રગતિ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ રાજ્ય વધુ એક મોટું પગલું ભરી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel