જૂનાગઢ સ્થિત ડૉ. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. ગુરુ જ્ઞાન, સંસ્કાર, ચારિત્ર્ય અને જીવનમૂલ્યોના પ્રેરક હોવાથી ગુરુપૂર્ણિમા પર્વનું વિશેષ મહત્ત્વ છે.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય ડૉ. બલરામ ચાવડાએ પ્રાસંગિક સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે ગુરુ જીવનમાં માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ ચારિત્ર્ય, સંસ્કાર અને માનવમૂલ્યોનું પણ સિંચન કરે છે. તેમણે વિદ્યાર્થિનીઓને ગુરુ પ્રત્યે આદર અને કૃતજ્ઞતાની ભાવના રાખવા તેમજ જ્ઞાનપ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રી રોશનીબેન ચાવડા, એફ.એસ. સંયોજક પ્રિયાંશીબેન બારડ તથા હેતલબેન સાંખટ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. કૌશિકરાય પંડ્યાએ ગુરુપૂર્ણિમાના ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે મહર્ષિ વેદવ્યાસના અવિસ્મરણીય યોગદાનને યાદ કરતાં ગુરુ-શિષ્ય પરંપરાના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા આપી હતી.
મુખ્ય વક્તા ડૉ. પ્રદ્યુમ્ન બી. ખાચરે ભારતીય ઇતિહાસ અને પરંપરામાં ગુરુના સ્થાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાચીન ગુરુકુલ પરંપરા, ભારતીય જ્ઞાનસંપદા અને સંસ્કારનિર્માણમાં ગુરુની ભૂમિકાને વિવિધ ઐતિહાસિક ઉદાહરણો દ્વારા રસપ્રદ રીતે રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્ઞાન સાથે સંસ્કારનું સિંચન થાય ત્યારે જ સાચા અર્થમાં શિક્ષણની સાર્થકતા સિદ્ધ થાય છે.
આ પાવન પ્રસંગે કોલેજની વિદ્યાર્થિનીઓ જોશી પ્રિયા, બાલસરા ખુશ્બુ અને પરમાર કોમલે પોતાના પ્રતિભાવો રજૂ કરીને ગુરુનું મહત્ત્વ વર્ણવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન ડૉ. નયનાબેન ગજ્જરે કર્યું હતું. કાર્યક્રમમાં અધ્યાપકગણ, બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી ગુરુજનો પ્રત્યે પોતાની શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને લગતા આવા કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા અને શ્રીમતી મિતાબેન ચાવડાએ આયોજકો તથા સહભાગીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. કાર્યક્રમના અંતે ચેતનાબેન ચુડાસમાએ આભારવિધિ કરી હતી.
વૈશાલી કગરાણા (જૂનાગઢ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel