ઓડિશા સરકારે રાજ્યમાં તમાકુ ઉત્પાદનો પર લાગુ રહેલા પ્રતિબંધને હવે વધુ કડક બનાવી દીધો છે. નવા નિર્ણય અનુસાર રાજ્યમાં તમામ પ્રકારના તમાકુ, ગુટખા અને નિકોટિનયુક્ત ઉત્પાદનોની બનાવટ, વેચાણ તેમજ સંગ્રહને સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2013માં ઓડિશા સરકારે ગુટખા અને તમાકુ પર પ્રતિબંધ લાગુ કર્યો હતો, પરંતુ તેમાં રહેલા લૂપહોલનો લાભ લઈને વેપારીઓ મસાલા અને તમાકુને અલગ-અલગ પેકેટમાં વેચતા હતા અને પરોક્ષ રીતે પ્રતિબંધને ટાળી રહ્યા હતા. હવે સરકાર દ્વારા આ ખામી પણ દૂર કરીને નિયંત્રણોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે.
આ અંગે 21 જાન્યુઆરીએ રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ નોટિફિકેશનમાં સુપ્રીમ કોર્ટના આદેશો અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના નિર્દેશોને આધાર બનાવવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની છટકબારી કે લૂપહોલ રહી ન જાય. એટલે કે, એવા ઉત્પાદનો પર પણ પ્રતિબંધ લાગુ રહેશે, જે અલગથી વેચવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ તમાકુ, ગુટખા અથવા નિકોટિન ઉત્પાદનો સાથે ભેળવીને કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશના કેટલાક અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના કડક પ્રતિબંધો પહેલેથી અમલમાં છે. જોકે, ઓડિશામાં અત્યાર સુધી મસાલા અને તમાકુને અલગ-અલગ વેચીને પ્રતિબંધને ચકમો આપવામાં આવતો હતો. હવે સરકારના નવા નિર્ણય બાદ આવી રીતો પર સંપૂર્ણ રીતે રોક લાગશે અને નિયમોનું કડક અમલ કરવામાં આવશે, જેથી જાહેર આરોગ્યને થતા નુકસાનને અટકાવી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel