Skip to content
ગુરુવાર, ઓક્ટોબર 29, 2026

સુપ્રીમ કોર્ટનું મેટા-વૉટ્સએપને કડક સંદેશ : નાગરિકોની પ્રાઇવસી સાથે રમત ન રમી શકો, બંધારણનું પાલન ન થાય તો ભારત છોડો

સુપ્રીમ કોર્ટનું મેટા-વૉટ્સએપને કડક સંદેશ : નાગરિકોની પ્રાઇવસી સાથે રમત ન રમી શકો, બંધારણનું પાલન ન થાય તો ભારત છોડો

સુપ્રીમ કોર્ટે વૉટ્સએપની વિવાદાસ્પદ 2021 પ્રાઈવસી પોલિસી મુદ્દે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે મેટા (Meta) અને વૉટ્સએપને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તેઓ ભારતના બંધારણ અને અહીંના કાયદાઓનું સન્માન કરી શકતા ન હોય, તો તેમને ભારત છોડવામાં કોઈ સંકોચ નહીં રાખવો જોઈએ. કોર્ટે સ્પષ્ટ કર્યું કે નાગરિકોની ગોપનીયતા સાથે કોઈ પણ પ્રકારનો સમાધાન સ્વીકાર્ય નથી.

3 ફેબ્રુઆરી 2026ની સુનાવણીમાં કડક ટિપ્પણીઓ

આ ટિપ્પણીઓ 3 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલી સુનાવણી દરમિયાન આવી હતી. સુપ્રીમ કોર્ટ મેટા અને વૉટ્સએપ દ્વારા દાખલ કરાયેલી અપીલોની સુનાવણી કરી રહી હતી, જેમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા લાદવામાં આવેલા ₹213.14 કરોડના દંડ અને ડેટા શેરિંગ પરના નિયંત્રણોને પડકારવામાં આવ્યા હતા.

2021ની પ્રાઈવસી પોલિસી શું હતી વિવાદનું કારણ?

વર્ષ 2021માં વૉટ્સએપે નવી પ્રાઈવસી પોલિસી લાગુ કરી હતી, જેમાં યુઝર્સના ડેટાને મેટાની અન્ય કંપનીઓ જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. આ પોલિસી “ટેક ઇટ ઓર લીવ ઇટ” આધારિત હતી, જેમાં યુઝર્સને ડેટા શેરિંગ માટે સંમતિ આપવી ફરજિયાત હતી, નહીં તો એપનો ઉપયોગ બંધ થઈ જતો હતો. આ બાબતને પ્રાઈવસીના હકના ઉલ્લંઘન તરીકે જોવામાં આવી હતી.

CCI અને NCLATના અગાઉના આદેશો

CCIએ નવેમ્બર 2024માં વૉટ્સએપને બજારમાં પોતાના વર્ચસ્વનો દુરુપયોગ કરવા બદલ ₹213.14 કરોડનો દંડ ફટકાર્યો હતો. જાન્યુઆરી 2025માં NCLATએ આ દંડને માન્ય રાખ્યો હતો, જ્યારે નવેમ્બર 2025માં ડેટા શેરિંગ સંબંધિત કેટલાક પ્રતિબંધો હટાવ્યા હતા અને યુઝર્સને ઓપ્ટ-આઉટનો વિકલ્પ આપ્યો હતો. આ તમામ આદેશો સામે મેટા, વૉટ્સએપ અને CCIએ અલગ-અલગ અપીલો દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટની ગંભીર ટિપ્પણીઓ

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે,

“જો તમે અમારા બંધારણનું પાલન ન કરી શકો, તો ભારત છોડી દો. અમે કોઈ નાગરિકની પ્રાઈવસી સાથે સમાધાન નહીં કરીએ.”

કોર્ટે નોંધ્યું કે વૉટ્સએપનું બજારમાં પ્રભુત્વ હોવાથી સામાન્ય યુઝર્સ પાસે વિકલ્પો ખૂબ જ મર્યાદિત છે. બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો કે શું સામાન્ય વ્યક્તિ માટે આટલી જટિલ પ્રાઈવસી પોલિસીને સમજવી શક્ય છે? કોર્ટે સ્પષ્ટ કર્યું કે યુઝરની સંમતિ ત્યારે જ માન્ય ગણાય જ્યારે તે સ્પષ્ટ, સરળ અને સમજાય તેવી હોય.

સરકાર અને ડેટા ઉપયોગ પર પ્રશ્નો

સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે મેટા યુઝર્સના ડેટાનો વ્યાવસાયિક ઉપયોગ કરીને નફો કમાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે વૉટ્સએપને પૂછ્યું કે યુઝર ડેટાનો ઉપયોગ ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ માટે કેવી રીતે થાય છે.

ચીફ જસ્ટિસે પોતાના અંગત અનુભવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, કોઈ સાથે સ્વાસ્થ્ય સંબંધિત વાતચીત થયા પછી એ જ વિષયની જાહેરાતો દેખાવા લાગે છે, જે ડેટા ઉપયોગ અંગે ગંભીર શંકાઓ ઊભી કરે છે.

પ્રાઈવસી હક પર કોર્ટનું ભારણ

કોર્ટે જણાવ્યું કે ભારતના નાગરિકો માટે ગોપનીયતાનો અધિકાર મૂળભૂત અધિકાર છે અને કોઈ પણ ટેક કંપની તેને હળવાશથી લઈ શકે નહીં. આ મામલાની ગંભીરતા જોતા સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ને પણ આ કેસમાં પક્ષકાર બનાવવા આદેશ આપ્યો છે.

9 ફેબ્રુઆરીએ વચગાળાનો આદેશ

બેન્ચે ચેતવણી આપી છે કે કંપનીઓએ ડેટા શેરિંગ ન કરવા અંગે લેખિત ખાતરી આપવી પડશે, નહીં તો કોર્ટ કડક આદેશ પસાર કરશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ મામલે 9 ફેબ્રુઆરી 2026ના રોજ વચગાળાનો આદેશ આપવામાં આવશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.