રાજસ્થાનના જયપુર જિલ્લાના ચોમૂ નગરમાં મોડી રાત્રે અચાનક કોમી તણાવ ફાટી નીકળતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. મસ્જિદ સાથે જોડાયેલા એક વિવાદને પગલે પરિસ્થિતિ બેકાબૂ બની હતી અને કેટલાક તોફાની તત્વોએ પોલીસને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો, જેમાં અનેક પોલીસ જવાનો ઘાયલ થયા હતા. હિંસક ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની સાથે ટીયર ગેસ છોડવો પડ્યો હતો. ભારે જહેમત બાદ થોડા કલાકોમાં સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, શુક્રવાર સાંજથી મસ્જિદ નજીકના રસ્તા પર લાંબા સમયથી પડેલા પથ્થરો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પથ્થરોના કારણે વાહન વ્યવહાર અવરોધિત થતો હોવાથી પ્રશાસન દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકોના વિરોધ બાદ મામલો બગડતો ગયો. જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને વિરોધ પ્રદર્શન હિંસક સ્વરૂપ ધારણ કરી ગયું. આ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો, જેના કારણે અનેક પોલીસકર્મીઓ લોહીલુહાણ થયા હતા.
ઘટનાની ગંભીરતા જોતા સ્પેશિયલ ઓપરેશન કમિશનર રાહુલ પ્રકાશ, અધિક પોલીસ કમિશનર ડો. રાજીવ પચાર અને મનીષ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જાતે મોરચો સંભાળી સ્થિતિ શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ચોમૂ બસ સ્ટેન્ડ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ડ્રોન અને સીસીટીવી કેમેરા મારફતે સતત નજર રાખવામાં આવી રહી છે.
કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી પ્રશાસને ચોમૂમાં 26 ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી આગામી 24 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. પ્રશાસન દ્વારા લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવા સૂચના આપવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel