પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની કેદ પછી રાવલપિંડીની અદિયાલા સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. 142 વર્ષ જૂની આ કુખ્યાત જેલ પાકિસ્તાનના રાજકીય ઇતિહાસ અને આતંકવાદી નેટવર્ક બંને સાથે ઊંડે જોડાયેલી છે. વર્ષ 1882માં જિન્ના પાર્ક નજીક બનેલી આ જેલને અત્યાર સુધી ચાર વખત સ્થાનાંતરિત કરવામાં આવી છે. બ્રિટિશ રાજ દરમિયાન અહીં દિલ્હી, ઢાકા અને હૈદરાબાદ જેવા પ્રદેશોના સ્વતંત્રતા સેનાનીઓને કેદ કરવામાં આવતા હતા. પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટું કાળું પાનું ત્યારે લખાયું, જ્યારે અહીં જ પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી આપી હતી. તેમના ફાંસી પછી 1988માં જૂની જેલને તોડી પાડવામાં આવી અને 1986માં અદિયાલા ગામ પાસે 100 એકરમાં નવી જેલ તૈયાર થઈ.
તાજેતરમાં આ જેલ ફરી ચર્ચામાં આવી હતી, જ્યારે 148 કેદીઓ HIV પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. અદિયાલા માત્ર સામાન્ય જેલ નથી—અહીં અત્યાર સુધી દેશના અનેક રાજકીય દિગ્ગજોને કેદ કરવામાં આવ્યા છે. ઇમરાન ખાન ઉપરાંત પૂર્વ વડાપ્રધાનો નવાઝ શરીફ, યુસુફ રઝા ગિલાની, શાહિદ ખાકાન અબ્બાસી, તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, વર્તમાન વડાપ્રધાન શાહબાજ શરીફ અને પંજાબની CM મરિયમ નવાઝ પણ અહીં કેદ રહી ચૂક્યા છે.
આતંકવાદના કેસોમાં પણ અદિયાલા જેલ કુખ્યાત રહી છે. મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ઝકી-ઉર-રહેમાન લખવી, પંજાબના ગવર્નર સલમાન તાસીરનો હત્યારો મુમતાઝ કાદરી—જેને અહીં જ ફાંસી આપવામાં આવી હતી—સાથે અનેક ધરપકડ કરાયેલા આતંકીઓ અહીં રાખવામાં આવ્યા છે. રાજકીય સત્તા સંઘર્ષ, આતંકવાદ, કાનૂની લડાઈ અને માનવ અધિકારને લઈને આ જેલ વર્ષોથી ચર્ચાનું કેન્દ્ર રહી છે, અને હાલમાં ઇમરાન ખાનની કેદને કારણે ફરી એક વાર આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel