દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને દિલ્હીના મુખ્ય બજારોમાં ખરીદીનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. પરંતુ, આ જ સમયે 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી ‘ઇન્ડી’ ગઠબંધનની રેલીને કારણે દિલ્હીના વેપારીઓની ચિંતાઓમાં મોટો વધારો થયો છે. ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) દ્વારા આ રેલી દિવાળી પછી યોજવા માટે અપીલ કરવામાં આવી છે, જેને લઈને રાજકારણ અને વેપારી જગતમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
વેપારીઓની ચિંતા: ₹10,000 કરોડ સુધીનું થઈ શકે છે નુકસાન
દિલ્હીના વેપારી સંગઠન CTIનું કહેવું છે કે આ પ્રસ્તાવિત રેલીમાં આશરે 10 લાખ લોકો અને 15,000 થી 20,000 જેટલી બસો આવવાની શક્યતા છે. જો રાજધાનીના વ્યસ્ત વ્યાપારી વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય, તો ટ્રાફિક વ્યવસ્થા, બજારો સુધીની અવરજવર અને માલસામાનની હેરફેર પર ગંભીર અસર પડી શકે છે.
રામલીલા મેદાનની આસપાસના 5 કિલોમીટરના ઘેરાવામાં ચાંદની ચોક, સદર બજાર, ચાવડી બજાર, ખારી બાવલી અને કાશ્મીરી ગેટ જેવા દેશના સૌથી મોટા જથ્થાબંધ અને છૂટક બજારો આવેલા છે. વેપારીઓનું આકલન છે કે આ અવરોધોના કારણે એકલા દિલ્હીના બજારોને અંદાજે ₹10,000 કરોડ સુધીનું નુકસાન સહન કરવું પડી શકે છે. છેલ્લા 25 દિવસમાં અન્ય વિરોધ પ્રદર્શનોના કારણે વેપારીઓને પહેલેથી જ ₹3,000 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે.
તહેવારોની મોસમ અને ગ્રાહકોની ભારે ભીડ
દિલ્હીના વેપારીઓ માટે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજનો સમયગાળો વર્ષનો સૌથી મહત્ત્વનો વ્યાપારી સમય માનવામાં આવે છે. દેશભરમાંથી વેપારીઓ અને ગ્રાહકો કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, સોના-ચાંદી અને ઘરવપરાશની વસ્તુઓની ખરીદી માટે દિલ્હીના બજારોમાં ઉમટી પડે છે. આવા મહત્ત્વના દિવસોમાં પોલીસ બેરિકેડિંગ, રસ્તાઓ બંધ કરવા અને મેટ્રો સ્ટેશનો પર પ્રતિબંધોની સ્થિતિ સર્જાવાથી રોજ આવતા 3 થી 4 લાખ ગ્રાહકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
રાહુલ ગાંધીનો જવાબ અને રાજકીય પ્રતિક્રિયાઓ
વેપારીઓની અપીલના જવાબમાં રાહુલ ગાંધીએ 26 ઑક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ પર નિવેદન આપ્યું હતું. તેમણે દિલ્હીના વેપારીઓને સંબોધીને કહ્યું કે મેટ્રો બંધ થવા, રસ્તાઓ પર પ્રતિબંધો અને રાજધાનીમાં ઊભી થયેલી મુશ્કેલીઓ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. રાહુલ ગાંધીએ ચૂંટણીમાં કથિત ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવીને દાવો કર્યો કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવે તો 30 સેકન્ડમાં વિરોધ પ્રદર્શનો બંધ થઈ જશે.
રાહુલ ગાંધીના આ જવાબથી વેપારીઓની મુખ્ય માગણીનો ઉકેલ આવ્યો નથી. વેપારીઓનો મુદ્દો ચૂંટણી સુધારા અંગેના રાજકીય વિવાદથી અલગ છે. તેમની ચિંતા એ છે કે દિવાળીના તહેવાર પહેલાં બજારોમાં ગ્રાહકોની અવરજવર ખોરવાય નહીં અને વેપારને નુકસાન ન થાય. તેઓ રેલી યોજવાના અધિકારનો વિરોધ કરવાને બદલે તેની તારીખ દિવાળી પછી રાખવાની અપીલ કરી રહ્યા છે.
To every trader in Delhi: We love you and hear you.
The Govt shut the metro, sealed our roads and locked down our capital.
With a stolen vote nothing is safe – your shop, your savings, your children’s future.
Tell Modi to sack accused no. 4, Gyanesh Kumar and the protests will… pic.twitter.com/USuHyO7qVW
— Rahul Gandhi (@RahulGandhi) October 26, 2026
CTIએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ પત્ર લખીને ઇન્ડી ગઠબંધનના નેતાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવવા કહ્યું છે. સંગઠન ઇચ્છે છે કે રેલી 10 નવેમ્બર પછી યોજવામાં આવે, જેથી દિવાળીના ખરીદીના દિવસોમાં વેપારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ખડગેએ પત્ર અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે વેપારીઓની અપીલ અંગે વિચારણા કરવામાં આવશે અને ઉકેલ શોધવાનો પ્રયાસ થશે. જોકે, રેલીની તારીખ બદલવા અંગે અંતિમ નિર્ણય જ લેવામાં આવ્યો નથી અને રાહુલ ગાંધીએ ઉડાઉ જવાબ આપી દીધા છે!
બીજી તરફ, ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે રાહુલ ગાંધીના નિવેદન પર સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે જો રસ્તાઓ બંધ થયા અને મેટ્રો સેવાઓ પર પ્રતિબંધ મૂકવાની સ્થિતિ ઊભી થઈ તો વહીવટીતંત્રને આવાં પગલાં ભરવાની ફરજ શા માટે પડી?
વિશ્વ હિંદુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે પણ ઇન્ડી ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષી નેતાઓ રેલીને દિવાળી પછી યોજવાની માગણી સ્વીકારતા નથી, જેના કારણે હિંદુ તહેવારો અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચવાનું જોખમ ઊભું થઈ રહ્યું છે.
‘ભારત જોડો યાત્રા’ના ઉદાહરણ સાથે સવાલો
વેપારીઓ અને વિરોધ પક્ષો હવે એ વાતની પણ યાદ અપાવી રહ્યા છે કે અગાઉ જ્યારે રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ 24 ડિસેમ્બર, 2022ના રોજ દિલ્હી પહોંચી હતી, ત્યારે ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ તથા ઉજવણીને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી યાત્રાને વિરામ આપવામાં આવ્યો હતો. હાલના વિવાદમાં મુખ્ય સવાલ એ છે કે જ્યારે દિલ્હીના વેપારીઓ દિવાળીના વ્યાપારી સમયગાળામાં બજારો સુધી ગ્રાહકોની પહોંચ અને વેપારને થનારા સંભવિત નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે ઇન્ડી ગઠબંધન રેલીની તારીખ બદલવા તૈયાર થતું નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom












