અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણમાં લાવવાની ઈચ્છા વ્યક્ત કરતા આવ્યા છે અને તેને રાષ્ટ્રીય સુરક્ષા તથા વ્યૂહાત્મક હિતો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવે છે. આ મુદ્દાને લઈને શનિવારે વ્હાઇટ હાઉસના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક ફોટો શેર કરવામાં આવ્યો, જેમાં ટ્રમ્પ એક પેંગ્વિન સાથે ગ્રીનલેન્ડ તરફ આગળ વધતા દેખાય છે અને તેની સાથે “Embrace the Penguin” (પેંગ્વિનને અપનાવો) એવું કેપ્શન લખવામાં આવ્યું હતું. જોકે, આ પોસ્ટ થોડી જ મિનિટોમાં મજાક અને ટીકા માટેનું કેન્દ્ર બની ગઈ, કારણ કે ગ્રીનલેન્ડમાં પેંગ્વિનનું અસ્તિત્વ જ નથી.
વ્હાઇટ હાઉસની આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સે તરત જ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પેંગ્વિન કુદરતી રીતે માત્ર દક્ષિણ ગોળાર્ધમાં, ખાસ કરીને એન્ટાર્કટિકામાં જોવા મળે છે, જ્યારે ગ્રીનલેન્ડ ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. ભૂગોળની આ મૂળભૂત સમજમાં થયેલી ભૂલને લઈને સામાન્ય નેટિઝન્સથી લઈને બ્રિટનના કેબિનેટ ઓફિસ જેવા સત્તાવાર એકાઉન્ટ્સે પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે ગ્રીનલેન્ડમાં પેંગ્વિન જોવા મળવા એ તદ્દન અવાસ્તવિક વાત છે. આ ઘટનાને કારણે “પેંગ્વિન મીમ” ફરી એકવાર ટ્રેન્ડમાં આવી ગયું છે.
Embrace the penguin. pic.twitter.com/kKlzwd3Rx7
— The White House (@WhiteHouse) January 23, 2026
આ મીમની શરૂઆત વર્ષ 2007ની ડોક્યુમેન્ટ્રી Encounters at the End of the Worldમાંથી થઈ હતી, જેમાં એક પેંગ્વિન પોતાની કોલોની છોડીને એન્ટાર્કટિકાના વિશાળ બરફીલા મેદાનોમાં એકલો ચાલતો જોવા મળે છે. આ દ્રશ્ય તેની એકલતા અને અજાણી દિશામાં જતા પ્રવાસને કારણે મીમ્સ માટે ખૂબ લોકપ્રિય બન્યું. આજકાલ સોશિયલ મીડિયા પર લોકો આ ભટકેલા પેંગ્વિનનો ઉપયોગ એવી પરિસ્થિતિ દર્શાવવા માટે કરે છે જેમાં કોઈ વ્યક્તિ ભીડથી અલગ પડી ગયો હોય અથવા ગૂંચવણમાં કંઈક જુદું કરી રહ્યો હોય. એવા સમયે, ટ્રમ્પના ગ્રીનલેન્ડને લઈને ચાલતા દબાણ અને નિવેદનો વચ્ચે વ્હાઇટ હાઉસની આ ભૂલ માત્ર મજાક પૂરતી ન રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગઈ છે અને અમેરિકન પ્રશાસનની છબી પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel