ICCના કડક નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટો વિવાદ સામે આવ્યો છે. ટી20 વર્લ્ડકપ 2026ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ બાદ ICCએ બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. બાંગ્લાદેશે ભારત આવીને મેચ રમવાનો ઇનકાર કરતા ICCએ સ્પષ્ટ વલણ અપનાવ્યું અને તેના સ્થાને સ્કોટલેન્ડને સામેલ કરવાની પુષ્ટિ કરી છે. આ નિર્ણય અંગે ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ઔપચારિક પત્ર પાઠવીને જાણ કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. બાંગ્લાદેશની હકાલપટ્ટી બાદ સ્કોટલેન્ડને ગ્રુપ-Cમાં સ્થાન મળ્યું છે, જ્યાં પહેલેથી જ ઇંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેપાળ અને ઈટાલી જેવી ટીમો સામેલ છે.
આ સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશે સુરક્ષાના કારણો આપીને પોતાની મેચો ભારતમાં રમવાનો ઇનકાર કર્યો અને પાકિસ્તાનની જેમ શ્રીલંકામાં મેચો ખસેડવાની માગ કરી. છેલ્લા ત્રણ અઠવાડિયાથી ICC અને બાંગ્લાદેશ વચ્ચે આ મુદ્દે તીવ્ર મતભેદ ચાલી રહ્યા હતા. ICC બોર્ડની બેઠકમાં 14-2ના બહુમતી નિર્ણયથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે ટુર્નામેન્ટમાં ભાગ લેવું હોય તો મેચો ભારતમાં જ રમવી પડશે. છતાં બાંગ્લાદેશ પોતાની જીદ પર અડગ રહ્યું અને ભારતમાં ખેલાડીઓની સુરક્ષા અંગે આશંકા વ્યક્ત કરતો રહ્યો.
બાંગ્લાદેશના ભારત સાથેના વિવાદનું મૂળ IPL સાથે પણ જોડાયેલું હોવાનું કહેવામાં આવે છે. IPLમાંથી બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કર્યા બાદ બાંગ્લાદેશમાં ભારે નારાજગી ફેલાઈ હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે થયેલી હિંસાની ઘટનાઓના પગલે IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓનો વિરોધ થયો હતો, જેના કારણે સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની. આ ઘટનાના પછી બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે તેમની ટીમ કોઈપણ સંજોગોમાં ભારત નહીં આવે.
ICC માટે બાંગ્લાદેશની માગ સ્વીકારવી શક્ય નહોતી, કારણ કે ટુર્નામેન્ટની તારીખો, સ્થળો અને યજમાન દેશ સાથેના કરારો પહેલેથી જ નક્કી થઈ ચૂક્યા હતા. છેલ્લી ઘડીએ મેચ સ્થળ બદલવાથી ભવિષ્યમાં અન્ય ટીમો પણ બહાના આપીને આવું કરવા લાગશે તેવી આશંકા હતી. સાથે જ ભારત પાસે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને અનુભવ છે, તેમજ હોટલ, ફ્લાઇટ, બ્રોડકાસ્ટિંગ અને ટિકિટિંગ જેવી વ્યવસ્થાઓ બદલવી અશક્ય સમાન હતી. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને ICCએ કડક નિર્ણય લીધો અને બાંગ્લાદેશને ‘ક્લીન બોલ્ડ’ કરતા સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં ‘ફ્રી હિટ’ આપી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel